• મંગળવાર, 23 એપ્રિલ, 2024

અમદાવાદ જ્વેલર્સમાં વેપારીના લમણે બંદૂક રાખી રૂ.11.36 લાખના દાગીનાની લૂંટ

ગ્રાહકના સ્વાંગમાં ચાર લુટારુનું કારસ્તાન: સીસીટીવીના આધારે આરોપીઓની તપાસ

અમદાવાદ, તા.22: અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુનેગારોને પોલીસનો કાઈ ખોફ ના રહ્યો હોય તેમ લૂંટ, મારામારી, ફાયરિંગની ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. આવો જ વધુ એક બનાવ મણિનગરમાં બન્યો છે. જેમાં જ્વેલર્સની દુકાનમાં બંદુકના નાળચે રૂા.11.36 લાખના દાગીનાની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઈસનપુર વિસ્તારમાં રહેતા અમૃત માળી (ઉં.28) મણિનગર ભેરૂનાથ સર્કલ નજીક જય ભવાની નામે જ્વેલર્સ શોપ ધરાવે છે. ગઈકાલે અમૃત માળી પોતાની શોપ પર હાજર હતા ત્યારે મોડી રાતે 4 અજાણ્યા ઈસમો ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. જે પૈકી એક શખસે અમૃત માળીના લમણે રિવોલ્વર મુકીને ધમકી આપી હતી કે પહેલે તેરે પેર મે ગોલી મારુંગા, ઉસકે બાદ દિમાગમે. આજ તેરી હત્યા કરતા હું.

જેથી ગભરાઈ ગયેલા અમૃત માળીએ લૂંટારા સમક્ષ સરેન્ડર કરતા જણાવ્યું હતું કે, તમારે જે લઈ જવું હોય તે લઈ જાવ, પણ મને કાંઈ ના કરતા. જે બાદ લુટારુઓ શોપના ડિસ્પ્લેમાં લગાવેલા રૂ.11.63 લાખના દાગીનાની લૂંટ ચલાવીને ભાગી છૂટયા હતા.

ત્યારબાદ અમૃત માળીએ આ બાબતે મણિનગર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને અમૃત માળીની ફરિયાદના આધારે અજાણ્યા લુટારા વિરુદ્ધ ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે ભાગી છૂટેલા લુટારાઓનું પગેરું મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક