• સોમવાર, 06 મે, 2024

વડોદરામાં 2.16 કરોડનું સોનું લઈ ઠગે 24 લાખની લોન પણ લઈ લીધી ભોગ બનનાર દંપતીએ ભેજાબાજ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી

વડોદરા, તા.23 (ફૂલછાબ ન્યૂઝ): વડોદરામાં કેનેરા બેન્કના મેનેજર તરીકે ઓળખાણ આપી ભેજાબાજે જ્વેલરી શોપના દંપતી પાસેથી 2.16 કરોડનું ગોલ્ડ લઈ અન્યના નામે ગોલ્ડ લોન લઈ લીધી હતી તેમજ હાઉસિંગ લોનમાં પણ છેતરપિંડી કરી વધારાની 24 લાખની લોન દંપતીએ અંધારામાં રાખીને લઈ લીધાની માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

શહેરના માંજલપુર અલવાનાકા ગૌતમનગરમાં રહેતા દિપાલીબેન પરેશભાઈ મકવાણાની મા મેલડી નામની જ્વેલરી શોપ છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, દોઢ વર્ષ પહેલા આરોપી વિશાલ જયંતિભાઈ ગજ્જર (રહે.વેદાંત વિશ્રામ ટાવર, જાંબુવા)એ પોતાની ઓળખાણ કેનેરા બેન્કના કર્મચારી તરીકે આપી ગોલ્ડ લોન અંગે ઓફર કરી તમારી લોનનું વ્યાજ નહીં લઉ અને ફ્રીમાં લોન કરાવી આપીશ કહી કેનેરા બેન્કની માંજલપુર શાખામાં એકાઉન્ટ ખોલાવી ગોલ્ડની સામે રૂપિયા 13.50 લાખની લોન લીધી હતી. તે દાગીના રૂપિયા ભરી છોડાવી લીધા હતા. ત્યારબાદ વિશાલ 3.400 કિલો વજનના દાગીના કિંમત રૂપિયા 2.16 કરોડના લઈ ગયો હતો. જેની કોઈ પહોંચ કે લખાણ આપ્યા ન હતા તેમજ તેની સામે કોઈ લોનના રૂપિયા પણ આપ્યા નથી.

વર્ષ 2021માં અમે ગૌતમનગર વાળુ મકાન લીધું હતું. જેની હાઉસિંગ લોન દેના બેન્કની રાવપુરા શાખામાં ચાલતી હતી. તે સમયે અમે 20 લાખની લોન લીધી હતી. વિશાલ ગજ્જરે આ લોન વાઘોડિયા રોડની પંજાબ નેશનલ બેન્કમાં ટ્રાન્સફર કરી આપવાનું કહી બેન્કના કાગળો જેમાં કોરા ડોક્યુમેન્ટસ, કોરા વાઉચર પર બેંક મેનેજર તથા વિશાલ ગજ્જરે અમારી પાસે સહીઓ કરાવી લીધી હતી. આમ, ભેજાબાજ વિશાલે અમારી પાસેથી ગોલ્ડ લોન અને હાઉસિંગ લોનના નામે અઢી કરોડ પડાવી લીધા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક