• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

બોટાદનાં ઢાંકણીયા ગામે બે પરિવાર વચ્ચે સશત્ર ધિંગાણું : બે મહિલા સહિત 6 ઘવાયા વીજપોલ નાખવા જમીનમાં ખાડા કરવા બાબતે ડખ્ખો : પાંચ સામે ફરિયાદ

બોટાદ, તા.14: બોટાદ જીલ્લાના ઢાંકણીયા ગામે રહેતા અને ઢાંકણીયા ગામના સરવે નંબરમાં ખાખોઈ ગામના માર્ગે 1ર વીઘા જમીન ધરાવતા ભીમજીભાઈ લાલજીભાઈ ચૌહાણ (ઉ.વ.36) 13 મેના બપોરના અઢી વાગ્યાની આસપાસ ભીમજીભાઈ તથા તેના બાપુ લાલજીભાઈ, બા હીરાબેન તથા ભાઈ મહેશભાઈ, સુરેશભાઈ તથા મહેશભાઈના પત્ની કાજલબેન તેઓની વાડીની ઓરડીએ હાજર હતા તે દરમિયાન જમીનની બાજુમાં જમીન ધરાવતા ફરિયાદીના દાદા બીજલભાઈ બચુભાઈ, ધીરૂભાઈ બીજલભાઈ, વિનોદભાઈ ઘનશ્યામભાઈ, ઘનશ્યામભાઈ બીજલભાઈ તથા રાજુભાઈ બીજલભાઈ એક સંપ કરી હાથમાં હથિયારો લઈ ભીમજીભાઈની વાડીના નીચેના શેઢે ફરિયાદીની જમીન અંદર ઈલેકટ્રીક ટીસી ઉભું કરવા ખાડા કરવા લાગેલ જેથી ફરિયાદીએ તેના આરોપી દાદા બીજલભાઈને કહેલ કે વીજ કનેક્શન તમારે લેવાનું છે તો ખાડા પણ તમારી જમીનમાં કરો તેમ કહેતા દાદા બીજલભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને ગાળો દેવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા બીજલભાઈએ દોડીને ધારીયાનો એક ઘા ફરિયાદી ભીમજીભાઈ ચૌહાણને મારી નાખવાના ઈરાદે માથાના ભાગે મારેલ તથા ધારિયાનો ઉંધો એક ઘા ડાબી બાજુના ખભાની પાછળના ભાગે તેમજ જમણા પગના ઢીંચણ નીચે મારેલ જેથી ફરિયાદી પડી જતા તેના બન્ને ભાઈઓ બચાવવા વચ્ચે પડતા આરોપી ઘનશ્યામભાઈએ ધારીયાનો એક ઘા મહેશભાઈને ડાબા પગના ઢીંચણના પાછળના ભાગે મારેલ જ્યારે આરોપી ધીરૂભાઈએ ધારીયાનો ઉંભા ઘા સુરેશભાઈને ડાબા પગના ઢીચણના નીચેના ભાગે મારેલ આ વખતે દેકારો થતાં ફરિયાદીના બાપુ લાલજીભાઈ તથા બા હીરાબેન તથા મહેશભાઈના પત્ની કાજલબેન બચાવવા આવતા આરોપી બીજલભાઈ બચુભાઈએ ધારીયાનો એક ઘા લાલજીભાઈને માથાના ભાગે મારેલ અને આરોપી વિનોદભાઈ ઘનશ્યામભાઈએ છરીનો એક ઘા ફરિયાદી ભીમજીભાઈને ડાબી બાજુના પડખાના ભાગે મારેલ તેમજ આરોપી રાજુભાઈ બીજલભાઈએ લાકડી વડે હીરાબેન તથા કાજલબેનને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેલ ઈજાગ્રસ્ત તમામને બોટાદની સબિહા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ જ્યાં તમામની સારવાર શરૂ છે. જે અંગે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક