• શનિવાર, 27 જુલાઈ, 2024

ભાવનગરના ચકચારી બનાવટી દસ્તાવેજ  કૌભાંડમાં બે આરોપીની થઈ ઘરપકડ 

બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર :

આ પ્રકરણમાં હજુ વધુ કેટલાક મોટામાથાની સંડોવણીની સંભાવના

 

ભાવનગર, તા.26 : ભાવનગરમાં ચર્ચાસ્પદ બનેલા બનાવટી દસ્તાવેજ કૌભાંડમાં પોલીસે શહેરના બે મોટા માથાની ધરપકડ કરતા ચકચાર જાગી છે. બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ  ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ભાવનગરમાં બનાવટી કાગળો, સાટાખત ઉભા કરી લોકોની મિલકતને ઘોંચમાં નાખી, બ્લેક મેઇલિંગ કરી પૈસા પડાવવાનો ધંધો કરવાના આરોપસર પકડાયેલા મહાવિરાસિંહ ગોહિલના રિમાન્ડ દરમિયાન મળેલી માહિતી અને માધવદર્શનની ઓફિસમાંથી મળેલા સાહિત્યના આધારે ભાવનગર પોલીસે લાઇનબોય તરીકે પ્રખ્યાત પદુભા અજુભા ગોહિલ અને સતુભા ઉર્ફે છત્રપાલાસિંહ કલ્યાણાસિંહ સરવૈયા (સતુભા જીઇબી)ની ધરપકડ કરી છે. એક સમયે રાજકીય અને પોલીસ ખાતામાં ભારે વગ ધરાવતા આ બન્ને શખસની ધરપકડના સમાચારથી ચકચાર મચી હતી અને લોકોનાં ટોળાં એલસીબી ઓફિસે ભેગા થયા હતા. બીજી બાજુ અનેક લોકોએ પોલીસના આ હિંમતભર્યા અને ગુનેગારોને નશ્યત કરવાના નિષ્ઠાવાન પ્રયાસોને બિરદાવ્યા હતા.

આ કેસની વિગત એવી હતી કે, વિજયરાજનગર વિસ્તારમાં રહેતા વલ્લભભાઇ મેઘજીભાઈ વિરડિયાએ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે વરતેજમાં પ્લોટ મૂળ માલિક પાસેથી ખરીદ્યા બાદ ટાઇટલ ક્લિયરન્સની જાહેરાત અખબારમાં પ્રસિદ્ધ કરી હતી. આ જાહેરાત બાદ આરોપી મહાવીરાસિંહ કનુભા ગોહિલે કુલમુખત્યાર અને સાટાખતની નકલ મોકલી વાંધો રજૂ કર્યો હતો. જેથી ફરિયાદીએ મૂળ જમીન માલિકનો સંપર્ક કરી સાટાખાત તેમજ કુલમુખત્યારનામા બાબતે પૂછતા આવા કોઈ સાટાખાત ન થયાનું જણાવ્યું હતું અને તપાસ કરતા નોટરીના સહી સિક્કા પણ બોગસ હોવાનું જણાયું હતું. દરમિયાનમાં ફરિયાદીના ભાઈને કોઈએ ફોન કરી જમીનમાં સેટલમેન્ટ કરવું હોય અને પૈસા પડાવવાનો ઇરાદે બનાવટી દસ્તાવેજ ઉભા કર્યા હોવાનું જણાતા મહાવીરાસિંહ કનુભા ગોહિલની ધરપકડ કરી હતી અને તેની માધવદર્શન વિસ્તારમાં આવેલ ઓફિસ સહિતનાં સ્થળે તપાસ કરતા અન્ય બે શખસ લાઇનબોય પ્રદ્યુમ્નાસિંહ અજુભા ગોહિલ અને સતુભા ઉર્ફે છત્રપાલાસિંહ કલ્યાણાસિંહ સરવૈયા (જી.ઇ.બી.)ની પોલીસે ધરપકડ કરી હતી. દરમિયાન પોલીસે આ બન્ને શખસને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કૌભાંડ અંગે પોલીસ  ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. પોલીસ હજુ વધુ એક બે મોટા માથાની આ કેસોમાં ધરપકડ કરે તેવી સંભાવના છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક