• મંગળવાર, 29 એપ્રિલ, 2025

પાકિસ્તાનને એક ટીપું પાણી ન મળે તેવી વ્યવસ્થા થશે

ગૃહમંત્રી શાહના આવાસે જળ સંસાધન મંત્રી પાટિલ, જળ શક્તિ મંત્રી વચ્ચે બેઠક બાદ નિર્ણય : ત્રણ તબક્કામાં સિંધુ જળ સંધિ રદ કરવાના નિર્ણયની અમલવારી થશે : સત્તાવાર પત્ર લખીને પાકિસ્તાનને કરાઈ જાણ

નવી દિલ્હી, તા. 25 : પહલગામમાં પર્યટકો ઉપર આતંકવાદી હુમલા બાદ હવે ભારત દ્વારા સિંધુ જળ સમજૂતિ રદ કરી દેવાનું એલાન થયું હતું. આ મામલે ગૃહ મંત્રી અમિત શાહના આવાસે કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સીઆર પાટિલ સાથે બેઠક થઈ હતી. જેમાં વિદેશ મંત્રી, જળ શક્તિ મંત્રી અને ત્રણેય મંત્રાલયના સચિવ સ્તરના અધિકારી હાજર હતા. બેઠક બાદ પાટિલે જાહેરાત કરી હતી કે પાકિસ્તાનમાં એક ટીપું પાણી પહોંચશે નહી. જળ  સંધિ મુદ્દે જે નિર્ણય કરવામાં આવ્યો છે. તે ત્રણ તબક્કામાં લાગુ થશે. બીજી તરફ કેન્દ્ર સરકારે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા માટે એક સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે.

ગૃહ મંત્રી અમિત શાહના આવાસે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે તત્કાળ, મિડ ટર્મ અને લોંગ ટર્મ એમ ત્રણ તબક્કામાં સિંધુ જળ સમજૂતિ અંગેના નિર્ણયની અમલવારી કરવામાં આવશે. આ દરમિયાન પાકિસ્તાનમાં એક ટીપું પાણી પણ ન પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સુત્રોના કહેવા પ્રમાણે પાકિસ્તાનમાં ટૂંક સમયમાં સંધિ રદ થવાની અસર જોવા મળશે. આ માટે બાંધની ક્ષમતા વધારવા આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે તેવી સંભાવના છે.

સુત્રો અનુસાર વિશ્વ બેંકે સિંધુ જળ સમજૂતિ કરાવી હતી. આ માટે ભારત સરકાર નિર્ણયની જાણકારી વર્લ્ડ બેંકને પણ આપશે અને અમલવારી કરવામાં આવશે. ભારતે પાકિસ્તાનને પોતાના નિર્ણય અંગે જાણકારી આપી દીધી છે. ભારતના જળ સંસાધન સચિવ દેબાશ્રી મુખરજી દ્વારા પાકિસ્તાની સમકક્ષ સૈયદ અલી મુર્તઝાને લખવામાં આવેલા પત્રમાં નિર્ણયનું વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ કાશ્મીરને નિશાન બનાવીને પાકિસ્તાન દ્વારા ચાલી રહેલો સીમા પાર આતંકવાદ સિંધુ જળ સંધિ હેઠળ ભારતના અધિકારોમાં બાધા ઉત્પન્ન કરે છે. પત્રમાં કહેવાયું છે કે પાકિસ્તાને સીમા પાર આતંકવાદને યથાવત રાખ્યો છે. જેનાથી સુરક્ષા અનિશ્ચિતતા પેદા થઈ છે. જે ભારતને પોતાના સંધિના અધિકારોનો પુર્ણ ઉપયોગ કરવામાં બાધા પેદા કરે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક