નવી દિલ્હી, તા. 27 : ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને આતંકવાદનો સામનો કરવા માટે ક્ષેત્રીય સહયોગની જરૂરીયાત બતાવી હતી. પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન ઉપર વાતચીતમાં રાષ્ટ્રપતિ પેઝેશકિયને કહ્યું હતું કે, ઈરાન આવા અમાનવીય કૃત્યની આકરી નિંદા કરે છે.
પેઝેશકિયને
ભાર મુકીને કહ્યું હતું કે, આવી દુ:ખદ ઘટનાઓ તમામ દેશોની સંયુક્ત જવાબદારી વધારે છે
અને ક્ષેત્રીય રાજ્યોને સહાનુભૂતિ, એકજુથતા અને ઘનિષ્ઠ સહયોગના માધ્યમથી આતંકવાદને
જડમુળમાંથી ખતમ કરવા મજબુર કરે છે. જેનાથી ક્ષેત્રના દેશો માટે સ્થાયી શાંતિ અને સૌહાર્દ
સુનિશ્ચિત થઈ શકે. ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ઈરાન ભારતીય રાષ્ટ્ર અને મહાત્મા
ગાંધી તેમજ નેહરુ જેવા પ્રમુખ વ્યક્તિઓનું ખુબ જ સન્માન કરે છે. જે શાંતિ, મિત્રતા
અને સહઅસ્તિત્વના દૂત હતા.