• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

નારણકા ગામ પાસે બાઇકસવાર યુવાનની આંખમાં મરચાની ભૂકી છાંટી 62 હજારની લૂંટ

રાજકોટમાં કારખાનેથી નોકરી પુરી કરી રામપરા ગામે જતી વખતે બનાવ : ચાર શખસ સામે ફરિયાદ

કોટડા સાંગાણી, તા.1: રાજકોટ કારખાનેથી રાત્રે નોકરી પુરી કરી રામપરા (નવાગામ) ગામનો યુવાન બાઇક પર પોતાના ઘરે જતો હતો ત્યારે કોટડા સાંગાણીના નારણકા સોળીયા ગામ નજીક પહોંચતા ચાર અજાણ્યા શખસોએ બાઇક ઉભું રખાવીને યુવાનની આંખમાં મરચું છાંટી રૂ.12,700 રોકડા, મોબાઇલ, ડોકયુમેન્ટ સાથેનું પર્સ અને બાઇકની લૂંટ ચલાવી લૂંટારૂઓ નાસી જતા યુવાને ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ રામપરા (નવા ગામ) માં રહેતા રણજીભાઇ નરેશભાઇ બાબરીયા ગઇ કાલે રાજકોટમાં કારખાનામાં હતા મોડી રાત્રે પોતાની નોકરી પુરી કરી બાઇક લઇને કારખાનેથી પોતાના ઘેર જવા માટે નિકળ્યા હતા. બાદ તે કોટડા સાંગાણીના નારણકા -સોળીયા વચ્ચે મેલડી માતાજીની ડેરી પાસે પહોંચતા ચાર અજાણ્યા શખસોએ તેને રોકી તેની આંખમાં મરચાની ભુકી છાંટી દેતા યુવાન પડી ગયો હતો. બાદ ચારેય લૂંટારૂઓએ યુવાન પાસેથી રૂ.12,700ની રોકડ, રૂ.10 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા જરૂરી ડોકયુમેન્ટ સાથેનું પાકીટ તેમજ બાઇકની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ બનાવ અંગે યુવાન રણજીતભાઇએ કોટડા સાંગાણી પોલીસ મથકમાં ચાર અજાણ્યા શખસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક