ઉધમપુર
અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો ટોચનો કમાન્ડર ઢેર
શ્રીનગર,
તા.4 : જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી
અથડામણમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર મરાયા છે. આ આતંકવાદીઓમાંથી એક રૂબાની ઉર્ફે
અબુ માવિયા જૈશ-એ-મોહમ્મદનો ટોચનો કમાન્ડર હતો અને ઘણા વર્ષોથી આ વિસ્તારમાં સક્રિય
હતો.
મંગળવારે
સાંજે બસંતગઢ વિસ્તારના કિયા ગામના જંગલોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
થઈ હતી. સેના અને સુરક્ષા દળોને આ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ વિશે માહિતી મળી હતી.
ત્યારબાદ સીઆરપીએફ, વ્હાઇટ નાઈટ કોર્પ્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અન્ય દળો દ્વારા
ઓપરેશન કિયા નામનું સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
સુરક્ષા
દળોએ આ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લીધો અને આતંકવાદીઓ સાથે ઝઝૂમ્યા હતા. 20 મિનિટ ચાલેલી
ગોળીબારમાં બે આતંકવાદીને ઠાર માર્યા હતા. એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓએ ભાગી જવાનો
પ્રયાસ કર્યો હતો. રામનગર, બસંતગઢ અને બિલ્લાવરના જંગલોમાં હજુ વધુ આતંકવાદીઓની હાજરીની
શંકા છે અને આ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.