• ગુરુવાર, 23 જુલાઈ, 2026

આસામ પૂરથી બેહાલ : 5.64 લાખ લોકો પ્રભાવિત

16 જિલ્લામાં 21નાં મૃત્યુ : હિમાચલના કાંગડા-કિન્નોરમાં વાદળ ફાટયું

આસામના ઘણા જિલ્લામાં ભારે વરસાદથી સ્થિતિ વણસી હતી. પૂરનાં કારણે 21 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને લગભગ 5.56 લાખ લોક પ્રભાવિત થયા છે. સરકારી રિપોર્ટ અનુસાર બિસ્વનાથ, ચરાઈદેવ, ઘેમાજી, ડિબ્રૂગઢ, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ, કાર્બી આંગલોંગ, નાગાંવ, શિવસાગર અને તિનસુકિયા જિલ્લામાં લાખો લોકો પ્રભાવિત થયા છે. બીજી તરફ હિમાચલના ચાર જિલ્લામાં પણ ભારે વરસાદ થયો હતો. ખાસ કરીને બોહ ઘાટીમાં વાદળ ફાટવાથી તબાહી મચી હતી.

આસામમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને આગામી ચાર દિવસ અમુક સ્થળે આંધી તોફાન સાથે ભારે વરસાદની આગાહી છે. વર્તમાન સમયે બ્રહ્મપુત્ર નદી નેમાટીઘાટમાં જોખમના સ્તરથી ઉપર વહી રહી છે જ્યારે સહાયક નદીઓ ખોવાંગમાં બુઢીદિહિંગ અને ગોલાઘાટ સહિતના વિસ્તારમાં જોખમના સ્તરથી ઉપર છે. બીજી તરફ શિવસાગરમાં દિખૌ નદી અને નાંગલામુરાઘાઠમાં દિસાંગ નદી પણ જોખમી બની છે. શિવસાગર સૌથી વધારે પ્રભાવિત જિલ્લો છે, જ્યાં 3.6 લાખ લોકો પ્રભાવિત થયા છે. ત્યારબાદ જોરહાટમાં 88,000 અને ચરાઈદેવમાં 72,500થી વધારે લોકો પૂરની ચપેટમાં આવ્યા છે.

બીજી તરફ હિમાચલ પ્રદેશના કાંગડા, મંડી, ચંબા અને કુલ્લૂ જીલ્લામાં ભારે વરસાદ થયો હતો. કાંગડાના બોહ ઘાટીમાં વાદળ ફાટતા ચાર ગામમાં ભારે તબાહી મચી હતી. અંદાજિત 18 મકાન કાટમાળમાં દબાયા હતા અને નવ ગૌશાળા તેમજ એક પ્રાથમિક શાળા પૂરમાં વહી  હતી. આ ઉપરાંત કિન્નોર-કાજા હાઇ વે પ્રભાવિત થયો હતો. વરસાદ અને ભૂસ્ખલનનાં કારણે પ્રદેશભરમાં 150 સડકો, 291 ટ્રાન્સફોર્મર ઠપ થયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક