સત્તાવાર જાહેરાત કરાઈ: બે કલાકમાં થશે 600 કિ.મી.ની યાત્રા: 12 સ્ટેશનોએ થોભશે
નવી દિલ્હી, તા.22 : કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી હાઈસ્પીડ રેલવે પરિયોજના, દેશની પહેલી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન આગામી 15 ઓગસ્ટ 2027થી ક્રમબદ્ધ રીતે દોડતી થશે. બુલેટ ટ્રેન પરિયોજના ભારતીય રેલવેમાં જાપાની શિંકાનસેન ટેકનોલોજીને રજૂ કરશે અને મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે. તે ભારતના બે મહત્ત્વપૂર્ણ શહેર વચ્ચેના પ્રવાસના સમયને ઘણો ઘટાડશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 508 કિ.મી.ની લંબાઈ ધરાવે છે.
બુલેટ ટ્રેન જ્યારે પૂર્ણ ગતિમાં હશે ત્યારે 320 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ ધરાવતી હશે જયારે અમદાવાદથી મુંબઈ વચ્ચે સરેરાશ 300 કિલોમીટર પ્રતિ કલાકથી આતા વર્ષે દોડશે. ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં સૌથી હાઈસ્પીડ ટ્રેનો દ્વારા મુંબઈથી અમદાવાદ વચ્ચેનું અંતર કાપતાં આશરે છ કલાક લાગે છે પરંતુ, બુલેટ ટ્રેનની શરૂઆત બાદ આ અંતર માત્ર બે કલાકમાં કાપી શકાશે. તેનાથી ન માત્ર પ્રવાસીઓના કિંમતી સમયની બચત થશે પરંતુ બંને રાજ્ય વચ્ચે વ્યાપારિક ગતિવિધિ પણ વધશે.
એક અખબારી અહેવાલ અનુસાર આ ટ્રેનનો કોરિડોર મહારાષ્ટ્ર, ગુજરાત, દાદરા અને નગર હવેલીથી થઈને 508 કિ.મી. સુધી ફેલાયેલો છે. પોતાની સફર દરમ્યાન આ ટ્રેન જે સ્ટેશનોએ થોભશે તેમાં મૃંબઈ (બીકેસી), ઠાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે.
આ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું પહેલું ચરણ હશે અને કોરિડોરના એક હિસ્સા પર બુલેટ ટ્રેનની શરૂઆત થશે. આ પછી ચરણબદ્ધ રીતે સમગ્ર રેલવે માર્ગ શરૂ થઈ જશે. આ કોરિડોર જાપાનની પ્રસિદ્ધ શિંકાસેન પ્રણાલી પર આધારિત છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન જાપાની વડાપ્રધાન શિંજો આબેએ 2017માં અમદાવાદમાં આ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું.
ટ્રેનની ગતિ વધારવા રેલવે એક્શનમાં: મુસાફરો ન મળતાં 300 જેટલા સ્ટોપેજ હટાવાશે
નવી દિલ્હી, તા. 22 : ભારતીય રેલવે ટૂંક સમયમાં જ લાંબા અંતરની અને પ્રીમિયમ ટ્રેનોની ઝડપમાં મોટો વધારો કરવા જઈ રહી છે. આ માટે દેશભરમાં પ્રાયોગિક ધોરણે આપવામાં આવેલા 300થી વધુ ટ્રેન હોલ્ટ (સ્ટોપેજ)ને તબક્કાવાર રીતે નાબૂદ કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા ઓક્ટોબર 2026 સુધીમાં લાગુ કરી દેવામાં આવશે, જેનાથી મુસાફરોનો મુસાફરી સમય 15થી 45 મિનિટ સુધી ઘટી જશે. રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, વર્ષ 2021થી 2025 વચ્ચે સ્થાનિક જનપ્રતિનિધિઓ (સાંસદો અને ધારાસભ્યો)ની ભલામણો અને સ્થાનિક લોકોની માંગને ધ્યાનમાં રાખીને સેંકડો સ્ટેશનો પર છ મહિના માટે પ્રાયોગિક ધોરણે ટ્રેનોના સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યા હતા. આ નિર્ણયનો મુખ્ય હેતુ નાના શહેરો અને ગામડાંના લોકોને સીધી રેલ કનેક્ટિવિટી પૂરી પાડવાનો હતો. નિયમ પ્રમાણે, છ મહિના પૂરા થયા પછી આ નવા સ્ટોપેજ પર ટિકિટોનાં વેચાણ અને તેનાથી થતા આર્થિક ફાયદાની સમીક્ષા કરવાની હતી. રેલવે બોર્ડના તાજેતરના આંકડાઓ તપાસતાં માલૂમ પડ્યું કે, આ 300થી વધુ સ્ટેશનો બોર્ડના લઘુતમ ધોરણ પર પણ ખરા ઊતર્યા નથી, જ્યાં દરરોજ ટ્રેનદીઠ 15 ટિકિટ પણ વેચાતી નહોતી. મુસાફરોની ઓછી સંખ્યા હોવા છતાં ટ્રેનો રોકવાને કારણે કરોડો રૂપિયાનું ઈંધણ અને વીજળી બિનજરૂરી રીતે વેડફાઈ રહ્યા હતા, તેમજ મુખ્ય રૂટ પર ટ્રેનો સમયસર પહોંચવામાં પણ વિલંબ થતો હતો.
આરડીએસઓના અહેવાલ અનુસાર, 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી કોઈ પ્રીમિયમ ટ્રેનને એક સ્ટેશન પર રોકવા અને ફરીથી એ જ સ્પીડ પકડવામાં આશરે 5થી 7 મિનિટનો સમય બગાડે છે. એક સ્ટોપેજ દૂર થવાથી ટ્રેનની 5થી 7 મિનિટ બચશે. જે રૂટ પરથી 3થી 4 બિનજરૂરી સ્ટોપેજ હટાવવામાં આવી રહ્યા છે, ત્યાં મુસાફરીનો સમય સીધો 15થી 45 મિનિટ સુધી ઘટી જશે. આ ઉપરાંત, એક સ્ટોપેજ નાબૂદ થવાથી પ્રતિ ટ્રેન 300થી 350 યુનિટ વીજળી અથવા 20થી 25 લિટર ડીઝલની બચત થશે.
આ વહીવટી સમીક્ષા હેઠળ દિલ્હીથી ઊપડતી આશરે 12 પ્રીમિયમ ટ્રેનો અને ત્રણ મુખ્ય વંદે ભારત રૂટનો સમાવેશ થાય છે. જેમાં સ્વર્ણ જયંતી રાજધાની, અજમેર શતાબ્દી, અમૃતસર શતાબ્દી જેવી ટ્રેનોના રૂટમાંથી ઓછા મુસાફરો ધરાવતા હોલ્ટ હટાવવામાં આવશે. આ સિવાય દેહરાદૂન દુરંતો તેમજ ભોપાલ, અજમેર અને દેહરાદૂન જતી વંદે ભારત ટ્રેનોના પ્રાયોગિક સ્ટોપેજ પણ આ સમીક્ષા હેઠળ સામેલ છે.