શૂટિંગ, કૂસ્તી, બેડમિન્ટન, ટેનિસ અને હોકી જેવી રમતો સામેલ નથી
ભારતના કુલ 125 ખેલાડી
આજથી વિવિધ રમતમાં ચંદ્રક જીતવા પડકાર રજૂ કરશે
ગ્લાસગો, તા.22ઃ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ-2026નો ગુરુવારથી ધમાકેદાર પ્રારંભ થશે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ પાછલાં 32 વર્ષમાં
સૌથી નાનો રાષ્ટ્રમંડળ રમતોત્સવ બની રહેશે. 2022માં બર્મિંગહામ ખાતે યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં 20 રમતો
સામેલ હતી. જે સામે આ વખતે ગ્લાસગોમાં તેનાથી અરધી 10 રમતો
જ સામેલ કરાઈ છે. છેલ્લે 1994માં કેનેડાના વિકટોરિયા કોમનવેલ્થ ગેમ્સમાં 10 રમત સામેલ હતી. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે હોકી, બેડમિન્ટન, કુસ્તી, શૂટિંગ, ટેબલ ટેનિસ જેવી રમતો સામેલ નથી. આથી ભારતની ચંદ્રક સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. 2022 બર્મિંગહામ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 61 મેડલ
કબજે કર્યા હતા અને મેડલ ટેલીમાં ચોથા ક્રમે રહ્યું હતું. આ વખતે ભારતને ચંદ્રકની મુખ્ય આશા એથ્લેટિક્સ, વેઇટ લિફટર અને મુક્કેબાજો પાસેથી રહેશે.
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના કુલ 12પ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. જેમાં 77 પુરુષ
અને 48 મહિલા
એથ્લેટ છે. આ ખેલાડીઓ પેરા સ્પોર્ટ્સ સહિત કુલ 13 રમત સ્પર્ધામાં ભાગ લેશે. એથ્લેટિક્સમાં સૌથી વધુ 32 ખેલાડી
છે. આ પછી અનુક્રમે મુક્કેબાજી (14), જૂડો
(14), વેઇટ લિફ્ટિંગ (12)ના નંબર આવે છે.
ભારત માટે નિરજ ચોપરા (ભાલા ફેંક), મીરાબાઈ ચાનૂ (વેઇટલિફ્ટિંગ), લવલીના, જેસ્મિન, સાક્ષી અને પ્રીતિ (મુકકેબાજી), તુલિકા માન (જૂડો), લોન બોલ્સ ટીમ અને પેરા એથ્લેટિકસમાં સોમન રાણા સહિતના કેટલાક ખેલાડી ગોલ્ડ મેડલના દાવેદાર છે.
----------------
આજે રાત્રે ઉદ્ઘાટન સમારંભ
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સનો ઉદ્ઘાટન સમારંભ ગુરુવારે ભારતીય સમય અનુસાર રાત્રે 10-30 વાગ્યાથી
યોજાશે. જેમાં સ્કોટલેન્ડની સંસ્કૃતિ સાથે આધુનિક ગીત-સંગીતની ઝાંખી પ્રસ્તુત થશે. આતશબાજી અને લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ઉદ્ઘાટન સમારોહમાં મીરાબાઇ ચાનૂ અને લવલીના ભારતીય દળની આગેવાની લેશે અને ધ્વજવાહકની ભૂમિકામાં રહેશે.
4 વર્ષ બાદ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ-2030 રમાશે
2026નો કોમવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના રમણીય શહેર ગ્લાસગો ખાતે યોજાઈ રહ્યો છે. આ પછી 2030નો કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં અમદાવાદ ખાતે યોજાશે. આ પહેલા 2010નો કોમનવેલ્થ ગેમ્સ દિલ્હીની યજમાનીમાં ભારતે આયોજિત કર્યો હતો.
સમાપન સમારંભમાં શંકર મહાદેવન અને રશ્મિકા મંદાના ભારતનું પ્રતિનિધિત્વ કરશે
બોલીવૂડ સંગીતકાર-ગાયક શંકર મહાદેવન અને અભિનેત્રી રશ્મિકા મંદાના તા. 2 ઓગસ્ટે
કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારંભમાં ભારતની સંસ્કૃતિ રજૂ કરશે. આ દિવસે તેમની સાથે અન્ય કલાકારો અમદાવાદમાં યોજનારા 2030 કોમનવેલ્થ
ગેમ્સની ઝલક પ્રસ્તૃત કરશે. ભારતની પ્રસ્તૃતિ લગભગ 20 મિનિટ
સુધી ચાલશે.