શિક્ષણમંત્રીના રાજીનામાની માગ સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા
રાજકોટ, તા.22 : નીટ પેપર લીક મામલે કોંગ્રેસે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સરકાર સામે વિરોધનો સૂર ઉગ્ર બનાવ્યો છે. પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે કોંગ્રેસે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થતો હોવાનો આરોપ લગાવી કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માગ સાથે રાજ્યભરમાં દેખાવો કર્યા હતા. અમદાવાદથી લઈને રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ભાવનગર સહિતના શહેરોમાં કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. નીટ જેવી મહત્ત્વપૂર્ણ પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે સરકાર મજબૂત વ્યવસ્થા ઉભી કરે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી કોંગ્રેસે માગ કરી છે.
અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશમાં વારંવાર પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી રહી છે. તેમણે નીટ પેપર લીકની જવાબદારી સ્વીકારી શિક્ષણમંત્રીએ રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરી હતી. કોંગ્રેસની વિરોધ કૂચ દરમિયાન અમદાવાદમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કેટલાક આગેવાનો રસ્તા પર બેસી ગયા હતા. ત્યારબાદ પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ જાળવવા માટે સરકારએ પારદર્શક અને કડક પગલાં લેવા જોઈએ.
જૂનાગઢ : નીટ પેપર લીક મુદ્દે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ગાંધીચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
જામનગર : શહેર કોંગ્રેસ કાર્યાલય પાસે કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.
ભાવનગર : શહેરના દેસાઈનગર વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો. થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી. પોલીસ પહોંચ્યા બાદ વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
ઉપલેટા : કોંગ્રેસે રાષ્ટ્રીય નેતાઓની અટકાયતના વિરોધમાં કાર્યક્રમ યોજ્યો હતો. તાલુકા પ્રમુખ લાખા ડાંગર અને શહેર પ્રમુખ લખમણ ભોપાળા સહિતના આગેવાનોએ ઘટનાની નિંદા કરી હતી.
વિરોધ પ્રદર્શન બંધારણીય અધિકાર, ભાજપ તેનો ભંગ કરી રહ્યો છે: શક્તિસિંહ ગોહિલ
રાજકોટ, તા.22 : દિલ્હીમાં જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે આજે રાજકોટમાં કોંગ્રેસના નેતા શક્તાસિંહ ગોહિલ દ્વારા એક પત્રકાર પરિષદમાં ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યાં હતાં. રાજ્યસભાના પૂર્વ સાંસદે જણાવ્યું હતું કે, નીટ પરીક્ષા આપનારા દેશના 21 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. દેશનું બંધારણ ભારતનું બંધારણ શ્રેષ્ઠ બંધારણ છે. નિશ્વાર્થ પણે જે બંધારણ બનાવ્યું એમાં મૂળભૂત અધિકાર મળેલા જે અધિકાર બંધારણનો આત્મા છે ભાજપ આત્માને તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. કોઈપણ હથિયાર વિના ધરણા પ્રદર્શન માટે બંધારણીય અધિકાર હોય છે. કોંગ્રેસના શાસનમાં ધરણા-પ્રદર્શન સમયે છાંયડો અને પાણીની વ્યવસ્થા સરકાર કરતી હતી, દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા યુવાનોનો હાથમાં હથિયાર ન હતાં છતાં લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. પીએમ આવાસે વિરોધ કરનારા કોઈ આતંકવાદી ન હતાં. કોંગ્રેસ પક્ષ સરકાર સામે લડશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા સવારે 11.30 કલાકે હેમુગઢવી હોલ ખાતે છાત્રો કી ગુંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને નીટ પેપરલીક કૌભાંડને લઈને વિદ્યાર્થીઓમાં વ્યાપેલી ચિંતા, અન્યાય અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થાની માગ અંગે ખુલ્લો સંવાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે પણ વિશેષ હાજરી આપી હતી.