‘પ્રધાનનું રાજીનામું, બર્બરતા સામે કાર્યવાહી અને મોદી માફી માગે’ : રાહુલ ગાંધીએ મૂકી ત્રણ માગ
નવી દિલ્હી,તા.22: નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરતાં છાત્રો ઉપર લાઠીચાર્જનાં મુદ્દે મંગળવારે સંસદની વડાપ્રધાન આવાસ સુધી ધમાલ અને નાટકીય ઘટનાક્રમો બાદ આજે કોંગ્રેસ સહિતનાં વિભિન્ન વિપક્ષોએ શિક્ષા મંત્રી ધમેન્દ્ર પ્રધાનને હટાવવાની માગણી સંસદ ભવનનાં પરિસરમાં મકર દ્વાર પાસે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંસદનાં બન્ને ગૃહોમાં આજે પણ છાત્રોનાં મુદ્દે ભારે હંગામો ચાલુ રહ્યો હતો. દિવસની કામગીરી સ્થગિત રાખી દેવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીને ધમેન્દ્ર પ્રધાનનું રાજીનામું, છાત્રો સાથે બર્બરતા કરનારાઓ સામે કાર્યવાહી અને વડાપ્રધાન મોદી દેશની માફી માગે તેવી ત્રણ માગણીઓ
મૂકી હતી.
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત થયા બાદ વિપક્ષનાં નેતાઓ મકર દ્વારે એકત્ર થયા હતાં અને તેમનાં હાથમાં બેનર અને તક્તીઓ હતી. ધમેન્દ્ર પ્રધાનને હટાવવાની માગણીની નારાબાજી સાથે સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે, છાત્રો સાથે અન્યાય અને અત્યાચારનું મૂળ કારણ પેપર લીક થવાની ઘટનાઓ છે અને તેનાં કારણે શિક્ષામંત્રી જ આના માટે સંપૂર્ણ જવાબદાર બને છે. નૈતિક જવાબદારીનો સ્વીકાર કરીને પ્રધાનને પદ ઉપરથી બરખાસ્ત કરવાં જોઈએ.
રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ યોજીને સરકાર સામે હુમલો બોલાવતા કહ્યું હતું કે, છાત્રોને સુરક્ષાદળોએ ખરાબ રીતે પીટયા હતાં. વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોવા છતાં આવી ક્રૂરતા આચરવામાં આવી હતી. છેલ્લા 10 વર્ષમાં 1પ2 પેપર ફૂટયા છે અને આમાં 7.પ કરોડ પરિવારો ઉપર સીધી અસર થઈ હતી. છાત્રો ફક્ત સિસ્ટમમાં સુધારો માગી રહ્યાં છે અને તેમની માગણીઓ વાજબી છે. 152 પેપર લીકમાં કોઈને સજા થઈ નથી અને યુવાનોમાં આ વ્યવસ્થા સામે આક્રોશ છે. સરકારે દેશમાં શિક્ષા વ્યવસ્થા જ નષ્ટ કરી નાખી છે અને હવે છાત્રો પ્રત્યે સંવેદનશીલતાય નથી.
છાત્રોનાં મુદ્દે રાજકીય રોટલા શેકે છે રાહુલ: નડ્ડા
નવીદિલ્હી,તા.22: છાત્રોનાં આંદોલન મુદ્દે સંસદની અંદર અને બહાર સરકાર સામે વિપક્ષનાં આક્રમણ બાદ આજે જે.પી.નડ્ડાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે નિશાન સાધતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ સંસદમાં એક રજૂઆત કરી હતી અને તેમાં 1પ0 પેપર લીકનો ઉલ્લેખ કરવામાં આવેલો. આ તપાસનો વિષય છે. એક જવાબદાર સરકાર હોવાનાં નાતે તેની નિશ્ચિત રૂપે તપાસ કરવામાં આવશે અને દેશની જનતા સામે સત્ય પેશ કરવામાં આવશે. સરકાર પેપર લીક મુદ્દે સંસદમાં ચર્ચા માટે પણ તૈયાર છે. વિપક્ષે તેને ધ્યાને રાખવું જોઈએ, સમસ્યાનું સમાધાન કાઢવું જોઈએ પણ રાહુલ ગાંધી છાત્રોનાં મુદ્દે રાજકારણનાં રોટલા શેકી રહ્યાં છે. આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.
સરકાર ખાતરી આપે તો ભૂખ હડતાલ છોડવા વાંગચુક તૈયાર
માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી જંતર-મંતર ઉપર પ્રદર્શન જારી રહેશે : અભિજીત દીપકે
નવીદિલ્હી,તા.22: જંતર-મંતર ઉપર ચાલતા કોકરોચ જનતા પાર્ટીનાં નેજાં હેઠળ છાત્રોનાં આંદોલન વચ્ચે અભિજીત દીપકેએ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને પોતાનાં અનશન સમાપ્ત કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વાંગચુક દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ વ્યક્તિત્વ છે અને તેમની તબિયત જોતા હવે તેમણે ભૂખ હડતાલ પૂરી કરી નાખવી જોઈએ. જો કે દીપકેએ સાથોસાથ એવું પણ સ્પષ્ટ કર્યુ હતું કે, આનો અર્થ આંદોલન પણ સમાપ્ત થઈ જશે તેવો નથી. દરમિયાન વાંગચુકે પણ સરકારને પત્ર લખીને કહ્યું હતું કે, જો સરકાર તરફથી છાત્રો સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તેની ખાતરી આપવામાં આવે તો તેઓ ભૂખ હડતાલ છોડી દેશે. દરમિયાન જંતર મંતર પાસે છાત્રો અને પોલીસ વચ્ચે આજે ફરી હિંસા થઈ હતી. જેમાં તોડફોડ અને પથ્થરમારા સામે લાઠીચાર્જ પણ થયો હતો.
અભિજીત દીપકેએ આજે કહ્યું હતું કે, જ્યાં સુધી છાત્રોની પ્રમુખ માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી જંતર-મંતર ઉપર શાંતિપૂર્ણ દેખાવ જારી રહેશે. દીપકેએ આજે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, સોનમ વાંગચુકનાં અનશનનો આજે 2પમો દિવસ છે અને આટલો લાંબો સમય ભોજન વગર રહેવાથી જીવ ઉપર જોખમ પેદા થઈ જાય છે. દેશને તેમની જરૂર છે અને તેમને ઉપવાસ પૂરા કરવાની અપીલ કરવામાં આવે છે. બીજીબાજુ વાંગચુકે કેન્દ્ર સરકારને પત્ર લખીને કહ્યું હતું કે, જો સરકાર દ્વારા પ્રદર્શન કરનાર છાત્રો સામે કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરવાની ખાતરી આપવામાં આવે તો તેઓ અનશન છોડી દેવા તૈયાર છે.
દરમિયાન વડાપ્રધાન આવાસ બહાર રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસનાં ધરણાં પ્રદર્શનનાં વિરોધમાં આજે પટણામાં ભાજપે દેખાવો કર્યા હતાં અને આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે અથડામણ થઈ ગઈ હતી અને લાકડી-દંડાથી મારપીટ સુધી નોબત પહોંચી ગઈ હતી. ભાજપનાં કાર્યકરો બિહાર કોંગ્રેસનાં પ્રદેશ મુખ્યાલય સુધી પહોંચી ગયા હતાં અને રાહુલ ગાંધી ઉપર અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવતા પોસ્ટર અને બેનર ફરકાવ્યા હતાં. જેની સામે કોંગ્રેસનાં કાર્યકરોએ ભાજપનાં લોકો ઉપર હુમલો કર્યો હોવાનો આરોપ લગાડવામાં આવે છે.