• ગુરુવાર, 23 જુલાઈ, 2026

જેનેરિક દવાઓ પર 100 નહીં, 200 ટકા ટેરિફ !

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા ફેંસલાએ ભારતના ધબકારા વધારી દીધા

 

વોશિંગ્ટન, તા. 22 : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચિંતા વધારતો એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકામાં આયાત કરવામાં આવતી જેનેરિક દવાઓ પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકા ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે સૌથી મોટું માર્કેટ હોવાથી, ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાંની સીધી અને ગંભીર અસર ભારતના ફાર્મા ઉદ્યોગ પર પડશે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેનેરિક દવાઓ પર લાદવામાં આવનારા ટેરિફ અંગે એક મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, 1 ઓગસ્ટ, 2026થી આગામી બે વર્ષ સુધી (ઓગસ્ટ 2028 સુધી) અમેરિકામાં આયાત થતી તમામ જેનેરિક દવાઓ પર કોઈ ટેરિફ નહીં લાગે અને આયાત શુલ્ક શૂન્ય રહેશે.

જો કે, ઓગસ્ટ 2028થી આ નિયમોમાં મોટો બદલાવ આવશે. 2028થી પ્રથમ વર્ષ માટે જેનરિક દવાઓ પર ટેરિફ વધારીને 100 ટકા કરવામાં આવશે અને ત્યારબાદ તેને 200 ટકા સુધી કરી દેવાશે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને કડક ચેતવણી આપી છે કે, જો તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં અમેરિકામાં પોતાના ઉત્પાદન પ્લાન્ટ અને સાધનો ઊભા નહીં કરે, તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર નીતિનો મુખ્ય હેતુ જેનેરિક દવાઓનું ઉત્પાદન ફરીથી અમેરિકામાં જ શરૂ કરવાનો છે.

વિશ્વભરમાં ભારતને ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ’ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2025માં ભારતે અમેરિકાને 9.7 અબજ ડોલરની ફાર્માસ્યુટિકલ દવાઓ એક્સપોર્ટ કરી હતી, જે ભારતના કુલ 25.8 અબજ ડોલરના ગ્લોબલ ફાર્મા એક્સપોર્ટના 38 ટકા જેટલી હતી. 

જો જેનરિક દવાઓ પર 100થી 200 ટકા સુધીનો ટેરિફ લાગુ થશે તો આ દવાઓની કિંમતોમાં અતિશય વધારો થશે. આ નિર્ણયથી માત્ર ભારતીય કંપનીઓના નફા અને એક્સપોર્ટ પર જ અસર નહીં પડે, પરંતુ અમેરિકાના સામાન્ય દર્દીઓને પણ મોંઘી દવાઓ ખરીદવાની ફરજ પડશે. જો ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિ સમયસર અમલી બનશે, તો ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે બે મુખ્ય વિકલ્પો રહેશે - કાં તો તેમણે અમેરિકામાં પોતાના પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવા પડશે અથવા તો ભારે ટેરિફનો બોજ સહન કરીને અમેરિકન માર્કેટમાં ટકી રહેવાનો પ્રયાસ કરવો પડશે.

 

એક-એક મિસાઈલનાં બદલામાં એક પુલ, એક વીજમથક ઉડાવી દેશું: ટ્રમ્પ

 

 

ઈરાનની કોઈપણ આક્રમકતા હવે સાંખી નહીં લેવા અમેરિકાની તૈયારી: ઈરાને જોર્ડન અને બહેરીનમાં હુમલા ચાલુ રાખ્યા

 

નવી દિલ્હી, તા.22: અમેરિકા અને ઈરાન વચ્ચે ઘર્ષણમાં કોઈપણ પ્રકારની નરમાશનાં અણસાર દેખાતા નથી. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે વધુ એકવાર ઈરાનને ધમકી આપતાં કહ્યું હતું કે, હોર્મુઝ જળમાર્ગમાં કોઈપણ અમેરિકી જહાજ ઉપર હુમલો થશે તો તેનાં ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે કહ્યું હતું કે, એક-એક મિસાઈલ, રોકેટ કે ડ્રોનનાં હુમલાનાં બદલામાં ઈરાનમાં એકાદ પુલ કે વીજમથકને નષ્ટ કરી નાખવામાં આવશે. આ કાર્યવાહીમાં તહેરાન શહેરની નજીક કે અંદરનાં માળખા પણ નિશાને આવી શકે છે.

ટ્રમ્પની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે બન્ને દેશો વચ્ચે તંગદિલી પરાકાષ્ઠાએ છે. ટ્રમ્પનાં નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, ઈરાનની કોઈપણ પ્રકારની આક્રમકતાને અમેરિકા હવે સાંખી લેવા માગતું નથી અને જવાબી કાર્યવાહી વધુ કઠોર રહેશે.

અમેરિકા અને ઈરાનનાં જોવા મળતાં કઠોર વલણથી સમગ્ર ક્ષેત્રમાં અસ્થિરતાનો માહોલ વધી શકે છે. હવે ઈરાન ટ્રમ્પની આ ચેતવણી સામે કેવી પ્રતિક્રિયા આપે તે જોવુ ઘટે.  અમેરિકાએ આજે સતત 11મા દિવસે ઈરાનમાં હુમલા ચાલુ રાખ્યા હતાં.  જેમાં હવે બુશેહર પરમાણુ ઉર્જા મથક અને હોર્મુઝમાં સ્થ્તિ લાર્ક દ્વીપની સાથોસાથ તબ્રીજ અને ચાબહારમાં પણ વિસ્ફોટોનાં સમાચાર આવી રહ્યાં છે. તો ઈરાને પણ જોર્ડન અને બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક