ચાર કરોડ કે તેથી વધુ કિંમતના મકાનની ખરીદીમાં વૃદ્ધિ : દિલ્હી-એનસીઆર સૌથી પહેલા નંબરે
નવી દિલ્હી, તા. 27 : રિયલ એસ્ટેટ ફર્મ સીબીઆરઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023 વચ્ચે ભારતના સાત પ્રમુખ શહેરોમાં ચાર કરોડ કે તેથી વધારે કિંમતના લક્ઝરી ઘરના વેચાણમાં 97 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ મુજબ જાન્યુઆરીથી સપ્ટેમ્બરના સમયગાળામાં કુલ લક્ઝરી આવાસના વેચાણમાં 90 ટકા હિસ્સેદારી દિલ્હી એનસીઆર, મુંબઈ અને હૈદરાબાદની છે. વેચાણમાં દિલ્હી એનસીઆરનો હિસ્સો 37 ટકા, મુંબઈનો 35 ટકા અને હૈદરાબાદનો 18 રહ્યો છે. જ્યારે બાકીનો 4 ટકા હિસ્સો પુણેનો છે.
ઘણા કારણોથી લક્ઝરી આવાસના વેચાણમાં વધારો થયો છે. જેમાં એક મજબૂત અર્થવ્યવસ્થા, વધતી આવક, ઉંચા જીવનસ્તરની આકાંક્ષા અને પ્રમુખ મહાનગરીય ક્ષેત્રમાં લક્ઝરી આવાસની કમી સામેલ છે. સીબીઆરઈના કહેવા પ્રમાણે ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં લક્ઝરી ઘરના વેચાણમા હજી પણ વૃદ્ધિ જોવા મળી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક વિકાસ, અનુકુળ નિયામક ઉપાય અને બદલતી જીવનશૈલી પ્રાથમિકતાઓના કારણે પ્રીમિયમ અને લક્ઝરી હાઉસ સેગમેન્ટમાં વેચાણપ અને નવા લોન્ચમાં વૃદ્ધિ થઈ છે. જે સંભવિત રૂપથી 2023માં 10 વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી જશે.