પ્રશિક્ષણ શિબિરમાં ત્રણ સભ્યો નહીં આવતાં ભાજપ ચિંતામાં, જેડી-યુ, રાજદ, કોંગ્રેસનીયે વાડાબંધી
પટના, તા. 11 : બિહારમાં આવતીકાલે સોમવારે વિશ્વાસ મત પરીક્ષણ રૂપે નીતીશકુમારની અગ્નિપરીક્ષા પૂર્વે રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. ‘સત્તાપરીક્ષા’ના એક દિવસ પહેલાં જ ત્રણ ધારાસભ્ય પ્રશિક્ષણ શિબિરમાં નહીં આવતાં હવે ભાજપની પણ ચિંતા વધી છે.
ગેરહાજર રહેલાં રશ્મિ વર્મા તેમનાં સાસુ બીમાર હોવાથી ન આવી શક્યાં હાવાના વાવડ છે, તો મિશ્રાલાલ યાદવની કોઈ જાણકારી મળી નહોતી.
અન્ય ધારાસભ્ય ભાગીરથી દેવી એક દિવસ પહેલાં ધારાસભ્ય સાથે હતાં, પરંતુ આજે પ્રશિક્ષણ શિબિરમાં સામેલ થયાં નહોતાં.
ગયાની હોટલમાં રોકાયેલા ભાજપના તમામ ધારાસભ્યોને બે બસમાં પટના લાવવાની પક્ષે તૈયારી કરી હતી.
વિશ્વાસ પૂર્વે ગૃહમંત્રી અમિત શાહે ગયામાં ચાલતી પ્રશિક્ષણ શિબિરને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. રાજભવનમાં કાનૂની સલાહકારની આખી ટીમને બદલી દેવાઇ છે.
પોતાના ધારાસભ્ય ન તૂટે તેની તકેદારીરૂપે રાજદ, કોંગ્રેસ, જેડી-યુ, ભાજપે વાડાબંધી કરી દીધી છે. રાજદ નેતા તેજસ્વી યાદવે પક્ષના તમામ ધારાસભ્યોને ગઇકાલથી જ પોતાનાં ઘરમાં રોકી રાખ્યા છે.