નવી દિલ્હી, તા.રર : લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાં મંદિરો પર ટેક્સ વસૂલવા રાજય સરકાર કાયદો લાવતાં વિવાદ સર્જાયો છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારના નવા કાયદાને ટાંકી ભાજપે તેને હિંદુ વિરોધી ગણાવી છે.
કર્ણાટક સરકાર વિધાનસભામાં ‘કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાન એ ધર્માર્થ વિધેયક’ પસાર કરીને મંદિરો પર ટેકસ લાદવામાં સક્રિય રહી છે. રાજયમાં મુખ્ય વિપક્ષ ભાજપે આ પગલાંને હિંદુ વિરોધી ગણાવ્યું છે અને આંદોલન છેડવાની ચીમકી આપી છે. ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સરકારની કરડી દૃષ્ટિ કર્ણાટકના મંદિરો પર છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા વિધેયક અનુસાર વાર્ષિક રૂ.1 કરોડથી વધુ દાન મેળવતાં મંદિરો અને અન્ય હિંદુ ધાર્મિક સંસ્થાનોએ 10 ટકા ટેકસ ચૂકવવો પડશે. 10 લાખથી 1 કરોડ વચ્ચેના દાનમાં ટેકસનો દર પ ટકા રહેશે. કર્ણાટકના મંત્રી રામલિંગા રેડ્ડીએ ભાજપ પર ધર્મને રાજનીતિમાં લાવવાનો આરોપ લગાવ્યો હતો.