• મંગળવાર, 30 એપ્રિલ, 2024

‘દબંગ’ને ડરાવવા ઘર ઉપર ફાયરિંગ

મુંબઈમાં સલમાન ખાનના એપાર્ટમેન્ટને નિશાન બનાવી 5 રાઉન્ડ ગોળીબાર, બાઇક સવાર બે ફરાર  તસવીર જાહેર

બિશ્નોઈ ગેંગે હુમલો કરાવ્યાની આશંકા, વાયરલ પોસ્ટમાં જવાબદારી લીધાનો દાવો : ફિલ્મ સ્ટારને અપાયું ગન લાયસન્સ-24 કલાક સુરક્ષા

મુંબઈ, તા.14 : અનેકવાર જેને ધમકી મળી ચૂકી છે તે બોલીવૂડ ‘દબંગ’ સ્ટાર સલમાન ખાનના મુંબઈમાં બાંદ્રા સ્થિત ગેલેકસી એપાર્ટમેન્ટ બહાર રવિવારે વહેલી સવારે 4:પ0 કલાક આસપાસ બે અજાણ્યા બાઇક સવાર બદમાશે 7.6 બોરની પિસ્તોલથી પાંચ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. તાબડતોબ પોલીસ કાફલો દોડી આવ્યો અને સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જડ બનાવી દેવામાં આવી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સલમાન  સાથે વાતચીત કરી હતી અને સુરક્ષાની ખાતરી આપી હતી. સલમાનને ગન લાયસન્સ જારી કરવા સાથે 3 શિફટમાં ર4 કલાકની સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સલમાનના ઘર બહાર સીસીટીવી લાગેલા છે જેના આધારે પોલીસે તપાસ શરુ કરી છે. ગોળીબાર કરનાર બંન્ને બદમાશ મહારાષ્ટ્રના નહીં પરંતુ રાજસ્થાન અથવા હરિયાણાના હોવાની આશંકા છે. બંન્નેની તસવીર સામે આવી છે જેમાંથી એક ગોદારા ગેંગનો શૂટર વિશાલ ઉર્ફે કાળુ હોવાનું મનાય છે. પોલીસ અનુસાર આ માત્ર હવામાં ફાયરિંગનો મામલો નથી. સલમાનના ઘરને નિશાન બનાવીને ફાયરિંગ કરાયુ છે. બદમાશોએ જે બાઈકનો ઉપયોગ કર્યો હતો તે બાંદ્રામાં જ માઉન્ટ મેરી પાસે રેઢુ મળી આવ્યું હતુ. જયાંથી રિક્ષામાં દહિસર નાકુ પાર કર્યુ હતુ. બંન્નેએ મુંબઈ છોડી દીધાની આશંકા છે. ફાયરિંગ વખતે દરવાજે 4 ગાર્ડ તૈનાત હતા. ફોરેન્સિક ટીમે જરુરી પુરાવા એકઠા કર્યા હતા.

ફાયરિંગ બાદ હુમલાખોરો નાસી છૂટયા હતા. બન્નેએ હેલમેટ પહેર્યું હતું. ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર દીવાલમાં ગોળીના નિશાન મળ્યા છે. ફાયરિંગ થયું ત્યારે સલમાન ખાન ઘરે હાજર હતો. એક ગોળી તેની બાલ્કનીની નેટમાં વાગી હતી જ્યાં તે છાશવારે પોતાના ચાહકોનું અભિવાદન ઝીલે છે. પોલીસને તલાશી દરમિયાન ગોળીના ખાલી ખોખા મળી આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક