• મંગળવાર, 30 એપ્રિલ, 2024

કેજરીવાલ 23 એપ્રિલ સુધી જેલમાં

રાઉઝ એવન્યૂ કોર્ટે ન્યાયિક હિરાસતનો સમય લંબાવ્યો : કેજરીવાલની અરજી ઉપર તત્કાળ સુનાવણીનો ઈનકાર : હવે જેલમાંથી સરકાર બનાવવા બે-બે મંત્રીને મળશે કેજરીવાલ

નવી દિલ્હી, તા. 15 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકને સોમવારે એક પછી એક બે ઝટકા લાગ્યા હતા. પહેલા સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી ઉપર તાકીદે સુનાવણીનો ઈનકાર કરતા મામલાને 29 એપ્રિલ સુધી ટાળ્યો હતો. આ નિર્ણયના અડધો કલાક બાદ રાઉઝ એવન્યૂ કોર્ટે કેજરીવાલની હિરાસત 23 એપ્રિલ સુધી લંબાવી દીધી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની આબકારી નીતિ મામલે 21 માર્ચના રોજ ધરપકડ થઈ હતી. પહેલી એપ્રિલના રોજ તેઓને 15 એપ્રિલ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દેવાયા હતા. સોમવારે તેઓને વર્ચ્યુઅલ માધ્યમથી જજ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે આ દરમિયાન ન્યાયિક હિરાસત 23 એપ્રિલ સુધી લંબાવી દીધી હતી. આ આદેશના અમુક સમય પહેલા જ સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની અરજી ઉપર સંક્ષિપ્ત સુનાવણી થઈ હતી. સુપ્રીમે કેજરીવાલની અરજી ઉપર તાકીદે સુનાવણીનો ઈનકાર કરતા મામલાને 29 એપ્રિલના શરૂ થતા સપ્તાહમાં લિસ્ટેડ કરવા કહ્યું હતું. કેજરીવાલ માટે આ એક મોટો ઝટકો છે કારણ કે 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે અને તેમાં આપના પ્રમુખ પ્રચાર કરી શકશે નહી.

બીજી તરફ કેજરીવાલ જેલમાથી સરકાર ચલાવવાના પ્લાન ઉપર કામ કરી રહ્યા છે. આ માટે સોમવારે ભગવંત માન અને સંદીપ પાઠક કેજરીવાલને મળવા તિહાર જેલમાં પહોંચ્યા હતા. મુલાકાત બાદ સંદીપ પાઠકે કહ્યું હતું કે, આગામી અઠવાડિયાથી બે બે નેતાઓને જેલમાં મળવા બોલાવવામાં આવશે. આ મુલાકાત દરમિયાન મંત્રીઓના કામની સમીક્ષા કરવામાં આવશે. કેજરીવાલે તમામ વિધાયકોને જનતાની વચ્ચે જવા પણ કહ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક