• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ભારતીય અધિકારીઓને મળી શકશે ઈરાનની કેદમાં રહેલા 17 ભારતીય એસ જયશંકર સાથે ઈરાની વિદેશ મંત્રી વચ્ચે વાતચીતમાં આશ્વાસન

નવી દિલ્હી, તા. 15 : ઈરાન તરફથી જપ્ત કરવામાં આવેલા માલવાહક જહાજ ઉપર સવાર 17 ભારતીયની વાપસીને લઈને મોટી સફળતા મળી છે. તેહરાન તરફથી કહેવામાં આવ્યું છે કે તે ભારતીય પ્રતિનિધીઓને ટૂંક સમયમાં ચાલક દળના સભ્યોને મળવાની મંજૂરી આપશે. આ આશ્વાસન વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાની સમકક્ષ અમીર અબ્દુલ્લાહિયન વચ્ચે વાતચીતમાં મળ્યું છે. આ દરમિયાન ભારતે ઈરાન તરફથી હિરાસતમાં લેવામાં આવેલા એમએસસી એરિઝ ઉપર સવાર 17 ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

ઈરાને શનિવારે હોર્મુઝ જળ વિસ્તાર નજીકથી ઈઝરાયલના એક માલવાહક જહાજને પોતાના કબજામાં લઈ લીધું હતું. જહાજ ઉપર ચાલક દળના 17 સભ્ય ભારતીય હતા. પોર્ટુગીઝ ઝંડો ધરાવતા જહાજ ઉપર સવાર ભારતીયોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ભારત ઈરાનના સંપર્કમાં છે. વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે હુસૈન અમીર અબ્દુલ્લાહિયન સાથે વાતચીત કરી હતી અને ભારતીયોને મુક્ત કરવાની માગ ઉઠાવી હતી. આ દરમિયાન જયશંકરે ઈરાન-ઈઝરાયલને શત્રુતાના સંદર્ભમાં તનાવ વધારવાથી બચવા, સંયમ રાખવા અને કૂટનીતિના રસ્તે પરત ફરવા અપીલ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક