• સોમવાર, 27 મે, 2024

પહેલા તબક્કામાં ઓછા મતદાનથી ચૂંટણી પંચ ચિંતિત હવે પછીનાં ચરણોમાં મતદાન વધારવા માટે નવી રણનીતિ અપનાવશે

રાષ્ટ્રપતિ મુર્મૂએ કરી મતદાનની અપીલ

નવી દિલ્હી, તા.22: પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીએ ચૂંટણી પંચને ચિંતામાં મૂકી દીધું છે. વર્ષ 2019ની તુલનામાં આ વખતે મતદાનમાં 3 ટકા જેટલો ઘટાડો થયો છે. જેને પગલે હવે મતદાનમાં વધારો થાય તે માટે પંચ આગામી તબક્કાનાં મતદાનમાં પોતાની રણનીતિ ઉપર કામ કરવાની તૈયારી કરી રહ્યું છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ મતદારોને લોકતંત્રનાં સૌથી મોટા પર્વમાં ભાગ લઈને મતદાન કરવા અપીલ કરી છે. ચૂંટણી પંચે આ અપીલનો વીડિયો પોતાનાં એક્સ હેંડલ ઉપર પોસ્ટ કર્યો હતો.

ચૂંટણી પંચ સ્વીકારે છે કે, મતદાન ઓછું થવાનાં કારણે તે બહુ ચિંતિત છે. આયોગનાં એક અધિકારીનાં કહેવા અનુસાર ચૂંટણી માટે લોકોમાં ઉત્સાહ તો હતો પણ તે મતદાનમાં પરિવર્તિત થાય એટલો વધુ નહોતો. મતદાન વધારવા માટે ચૂંટણી પંચે બહુ જ પ્રયાસો તો કર્યા હતાં. સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદાન વધારવાની યોજના બનાવવામાં આવી હતી અને મશહૂર હસ્તીઓને પંચનાં દૂત બનાવીને લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતાં. ક્રિકેટ મેચો દરમિયાન પણ મતદાન માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને મતદાન કેન્દ્રોને પણ બહેતર બનાવવામાં આવ્યા કે જેથી લોકોને મતદાનમાં આસાની રહે. તેમ છતાં આ પ્રયાસો અપૂરતા સાબિત થયા હતાં. ચૂંટણી પંચ ઓછા મતદાન માટેનાં કારણોનું વિશ્લેષણ કરે છે. આ મુદ્દે સપ્તાહનાં અંતે યોજાતી બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી હતી અને હવે નવી રણનીતિ સાથે પંચ મતદાન વધારવાનાં પ્રયાસો કરશે.  પંચ દ્વારા રાષ્ટ્રપતિ મુર્મૂની અપીલનો વિડીયો આજે ટ્વિટ કર્યો હતો અને તેમાં રાષ્ટ્રપતિ કહે છે કે,  આપણાં માટે ચૂંટણી સૌથી મોટો તહેવાર છે અને રાષ્ટ્રનું ગૌરવ પણ છે. મને વિશ્વાસ છે કે, તમામ મતદારો આ ચૂંટણી માટે આતુર હશે. જ્યારે લોકો મતદાન કરશે ત્યારે એ તેમને જ સશક્ત કરનારી પળ હશે.

અરુણાચલ પ્રદેશમાં ફરીથી થશે મતદાન

ચૂંટણી પંચે મણિપુર બાદ હવે અરુણાચલ પ્રદેશમાં ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે અરુણાચલ પ્રદેશના આઠ મતદાન કેન્દ્ર ઉપર ફરીથી વોટિંગનો નિર્ણય કર્યો છે. 19 એપ્રિલના રોજ લોકસભા અને વિધાનસભા ચૂંટણીના મતદાન દરમિયાન ઈવીએમમાં ગડબડ અને હિંસાની માહિતી સામે આવી હતી. ઉપમુખ્ય ચૂંટણી અધિકારી લિકેન કોયુએ કહ્યું હતું કે આયોગે રવિવારે આઠ મતદાન કેન્દ્રને અયોગ્ય ઘોષિત કરી દીધા હતા. સાથે જ 24 એપ્રિલના રોજ સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. અરુણાચલ પ્રદેશના જે મતદાન કેન્દ્રમાં ફરીથી મતદાન કરાવવામાં આવશે તેમાં ઈસ્ટ કામેંગ જિલ્લો પણ સામેલ છે. બામેંગ વિધાનસભા ક્ષેત્રમાં સારિયો, કૃરુંગ કુમેમાં નયાપિન વિધાનસભા સીટ હેઠળ આવતા લોંગ્તે લોથ, અપર સુબનસિરી જિલ્લામાં નાચો ક્ષેત્ર હેઠળ આવતા ડિંગસર, બોગિયા, સિયુમ, ઝિમ્બરી અને લેંગી મતદાન બુથ સામેલ છે. અરુણાચલ પ્રદેશમાં 19મીએ રાજ્ય વિધાનસભાની 50 સીટ માટે મતદાન થયું હતું. જુમાં 65.79 મતદારોએ મત આપ્યા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે અમુક જિલ્લામાં હિંસા અને ઈવીએમ લૂંટવાની કોશિશના બનાવ સામે આવ્યા હતા. જેમાં 42 લોકોને ઈજા પહોંચી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક