• શનિવાર, 04 મે, 2024

કેજરીવાલની તબીબી પરામર્શની અરજી ખારિજ

રાઉઝ એવન્યૂ કોર્ટે એમ્સને મેડિકલ બોર્ડનું ગઠન કરવા કહ્યું, વિશેષ સ્થિતિમાં મેડિકલ બોર્ડ તપાસ કરશે

નવી દિલ્હી, તા. 22 : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કોર્ટમાંથી ઝટકો મળ્યો છે. દિલ્હીની એક રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની અરજીને ખારિજ કરી દીધી છે. જેમાં તિહાર જેલમાં ઇન્સ્યુલિન ઉપલબ્ધ કરાવવા અને ચિકિત્સકો સાથે દરરોજ 15 મિનિટ પરામર્શ કરવાની મંજૂરી માગી હતી. બીજી તરફ દિલ્હી હાઇ કોર્ટે ઇડી તરફથી જારી સમનને પડકાતી અરજી ફગાવી છે અને અરજકર્તાને 75,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

કથિત શરાબ કૌભાંડમાં દિલ્હીની જેલમાં બંધ અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અને ઇન્સ્યુલિન મુદ્દે આપ દ્વારા રાજનીતિ કરવામાં આવી રહી છે અને ભાજપ ઉપર પ્રહારો થઈ રહ્યા છે કે કેજરીવાલને જેલમાં મારી નાખવાની કોશિશ થઈ રહી છે. આ દરમિયાન દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ઝટકો આપીને ઇન્સ્યુલિન ઉપલબ્ધ કરાવવાની અને પોતાના અંગત ડોક્ટર સાથે દરરોજ 15 મિનિટ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી પરામર્શ મેળવવાની માગ કરતી અરજી ખારિજ કરી દીધી છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ પોતાના આદેશમાં કહ્યું છે કે, કેજરીવાલને જરૂરી ઉપચાર ઉપલબ્ધ થવો જોઈએ.

 વિશેષ પરિસ્થિતિમાં જેલ પ્રશાસન એમ્સ ડાયરેક્ટર દ્વારા ગઠિત મેડિકલ બોર્ડની સલાહ લઈને ઉપચાર ઉપલબ્ધ કરાવવામાં આવે. અદાલતે એમ્સને મેડિકલ બોર્ડનું ગઠન કરીને કેજરીવાલનાં સ્વાસ્થ્યની તપાસ કરવા આદેશ આપ્યો છે. આ બોર્ડમાં એક એન્ડોક્રિનોલોજિસ્ટ અને એક ડાયાબિટોલોજિસ્ટ સામેલ હશે. આ ઉપરાંત દિલ્હી હાઇ કોર્ટમાં કેજરીવાલને ઇડીના સમનને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી અને કેજરીવાલને તમામ અપરાધિક મામલામાં વચગાળાના જામીનની માગ થઈ હતી. આ અરજી હાઇ કોર્ટ દ્વારા ખારિજ કરવામાં આવી છે અને અરજકર્તાને 75,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક