તક
આપશે તો જસદણ-વિંછીયા બેઠક પર કુંવરજી બાવળિયાને જોરદાર ટક્કર આપીશું ઃ જસદણના કોંગ્રેસી
નેતા અવસર નાકિયાએ કર્યો હુંકાર
રાજકોટ,તા.22
ઃ ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ રાજકીય
તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. રાજકોટની નાગર બોર્ડિંગ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા
આયોજિત તાલીમ શિબિરમાં આગામી ચૂંટણીની રણનીતિ, સંગઠન મજબૂત બનાવવા અને મતદારો સુધી
પહોંચવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, ચૂંટણીની મોટી વાતો વચ્ચે કાર્યક્રમમાં
હોદ્દેદારોની ઓછી હાજરી પણ ચર્ચાનો વિષય બની હતી.
શિબિરમાં
જસદણના કોંગ્રેસી નેતા અવસર નાકિયાએ કુંવરજી બાવળિયા સામે આક્રમક વલણ અપનાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી લડવાની ઇચ્છા અનેક કાર્યકરોની હોય છે, પરંતુ ટિકિટ
આપવાનો અંતિમ નિર્ણય પક્ષનો હોય છે. જો પક્ષ તેમને તક આપશે તો જસદણ-વિંછીયા બેઠક પર
કુંવરજી બાવળિયાને જોરદાર ટક્કર આપીશું. તેમના પુત્ર ડો. મનીષ બાવળિયાની ચૂંટણી લડવાની
ચર્ચા અંગે પણ નાકિયાએ પડકાર ફેંકતાં કહ્યું કે, પરિવારના કોઈપણ સભ્યને મેદાનમાં ઉતારે
તો પણ અમે તૈયાર છીએ.
નાકિયાએ
કુંવરજી બાવળિયાના પક્ષપલટા બાદના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, કોંગ્રેસમાં
હતા ત્યારે બાવળિયા રસ્તા, ગટર, પુલિયા સહિતના સ્થાનિક પ્રશ્નો અને ભ્રષ્ટાચાર અંગે
રજૂઆતો કરતા હતા, પરંતુ ભાજપમાં ગયા બાદ આ મુદ્દે તેમનો અવાજ સંભળાતો નથી. ભાજપ રૂપિયા
અને ખોટા પ્રચારના આધારે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો
હતો. જિલ્લા પ્રમુખ હિતેષ વોરાએ જણાવ્યું કે, પ્રથમ વખત ચૂંટણીના એક વર્ષ અગાઉથી સંગઠનાત્મક
તૈયારીઓ શરૂ કરાઈ છે.
ખાસ
કરીને ઝેન-ઝી યુવાનોને પક્ષ સાથે જોડવા, સોશિયલ મીડિયા અને પ્રચારની નવી પદ્ધતિઓ અપનાવવા
તથા ભાજપ સરકારની ખામીઓ લોકો સુધી પહોંચાડવા કાર્યકરોને તાલીમ અપાશે. અગાઉની ચૂંટણીમાં
રાજકોટ જિલ્લામાં એકપણ બેઠક ન મળવાની ભૂલો સ્વીકારી તેમણે આ વખતે પરિણામ સુધારવાનો
સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
તાલીમ
શિબિરમાં ખાલી ખુરશીઓની ચર્ચા
ચૂંટણીની
તૈયારી માટે યોજાયેલી મહત્વની બેઠકમાં જ જિલ્લા કોંગ્રેસના અનેક હોદ્દેદારોની પાંખી
હાજરી જોવા મળી હતી. પ્રદેશ આગેવાન રમેશ સીલુની ઉપસ્થિતિ છતાં ખાલી ખુરશીઓએ સંગઠનની
સક્રિયતા સામે સવાલો ઊભા કર્યા હતા. એક તરફ 2027માં જીતના દાવા થઈ રહ્યા છે, તો બીજી
તરફ સંગઠનની હાજરી વધારવી કોંગ્રેસ માટે મોટો પડકાર બની શકે છે.