• સોમવાર, 23 નવેમ્બર, 2026

રેલવે પોલીસ ચોકીમાં ગોદડું ઓઢી આરામ કરતા મહિલા એ.એસ.આઈ. સસ્પેન્ડ

પોલીસે સીસીટીવી અને ટ્રેનની તપાસના આધારે ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાંથી કિશોરને શોધી કાઢ્યો

રાજકોટ,તા.22ઃ રેલવે સ્ટેશન પરથી ગુમ થયેલા 13 વર્ષના કિશોરની ફરિયાદ નોંધાવવા પહોંચેલા તેના મામાને 24 કલાક રાહ જોઈને આવવાનું કહેવું મહિલા એ.એસ.આઈ કામિનીબેન મારણકાને ભારે પડ્યું છે. ફરજ દરમિયાન ગોદડું ઓઢીને સૂતા મહિલા એ.એસ.આઈનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્રમાં ચકચાર મચી હતી. આ ગંભીર બેદરકારીને પગલે પશ્ચિમ રેલવેના એસપી યશપાલ જગાણીયાએ 22 નવેમ્બરના રોજ મહિલા એ.એસ.આઈને સસ્પેન્ડ કર્યા છે. ગાયકવાડી વિસ્તારમાં રહેતા હરેશભાઈના પુત્રને મોબાઈલ ગેમ રમવા બાબતે માતાએ ઠપકો આપતાં તે 21 નવેમ્બરની વહેલી સવારે ઘરેથી નીકળી ગયો હતો અને રાજકોટ રેલવે સ્ટેશન પરથી અજાણ્યા વ્યક્તિ સાથે જતો જોવા મળ્યો હતો.

બાદમાં તેણે પરિવારને ફોન કરી દ્વારકા જતો હોવાનું જણાવ્યું હતું અને પાનની દુકાનેથી તેના નાના પાસે રૂ.300 મંગાવ્યા હતા. દરમિયાન કિશોરના મામા મુરલીભાઈ ભાવનાણી ફરિયાદ કરવા રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ફરજ પરનાં મહિલા એ.એસ.આઈએ 24 કલાક રાહ જોવાનું કહેતાં પરિવારમાં રોષ ફેલાયો હતો. બીજી તરફ પોલીસે સીસીટીવી અને ટ્રેનની તપાસના આધારે ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાંથી કિશોરને શોધી કાઢી 21 નવેમ્બરની સાંજે પરિવારને સોંપ્યો હતો. બાળક હેમખેમ મળી આવ્યા બાદ પણ મહિલા એ.એસ.આઈની ફરજ પ્રત્યેની બેદરકારી બદલ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક