• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

T-20 વિશ્વ કપના ભારત વિરૂધ્ધના મેચનો બહિષ્કાર જાહેર કરતું પાકિસ્તાન પાકિસ્તાનની નવી નાટકબાજીથી આઇસીસી એકશન મોડમાં

15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત-પાકિસ્તાનની ટક્કર હવે ઘોંચમાં

નવી દિલ્હી તા.1: ટી-20 વર્લ્ડ કપ અગાઉ પાકિસ્તાને નવું નાટક કર્યું છે. પાક. સરકારે તેની ટીમને ભારત-શ્રીલંકાની ધરતી પર 7 ફેબ્રુઆરીથી રમાનાર આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેવાની તો મંજૂરી આપી દીધી છે, પણ પાકિસ્તાની ટીમ તા. 1પ ફેબ્રુઆરીએ રમાનાર વર્લ્ડ કપના હાઇવોલ્ટેજ ભારત વિરૂધ્ધના મુકાબલાનો બહિષ્કાર કરશે. પાકિસ્તાન સરકાર અને પીસીબીના આ નિર્ણયથી આઇસીસી એકશન મોડમાં આવી ગઇ છે. એક-બે દિવસમાં આઇસીસી પાક. ટીમ સામે કોઇ મોટા શિક્ષાત્મક પગલાંની જાહેરાત કરી શકે છે.

પાકિસ્તાન સરકારે રવિવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેરાત કરી હતી કે પાકિસ્તાની ક્રિકેટ ટીમને વિશ્વ કપ માટે શ્રીલંકા પ્રવાસની મંજૂરી આપવામાં આવી છે, પણ પાક. ટીમ 1પ ફેબ્રુઆરીએ ભારત વિરૂધ્ધના મેચમાં મેદાનમાં ઉતરશે નહીં. આ માટે કોઇ કારણ દર્શાવ્યું નથી. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે બાંગલાદેશ ટીમ ટી-20 વર્લ્ડ કપનો સંપૂર્ણ બહિષ્કાર કરી ચૂકી છે. હવે પાક. ટીમે ભારત સામેના મેચનો બહિષ્કાર કરી હલચલ મચાવી દીધી છે.

આ પહેલા આજે પીસીબી ચેરમેન મોહસિન નકવીએ પાક. પીએમ શહબાઝ શરીફ સાથે મળીને વિશ્વ કપમાં ભાગ લેવો કે નહીં તે વિશે ચર્ચા કરી હતી. આ પછી ભારત સામેના મેચના બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક