• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સ : ભારતનાં ખાતામાં વધુ 5 મેડલ

4દૃ400 મીટર મિક્સ્ડ રિલે રેસ તેમજ વુશુ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા, શૉટગન શાટિંગના મિક્સ્ડ સ્કીટ ટીમ ઇવેન્ટ, રોઇંગ અને 10,000 મીટર દોડમાં બ્રોન્ઝ મળ્યા

નવી દિલ્હી, તા.24 : જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી 20મી એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ મેડલ મેળવવા રફતાર પકડી રહ્યા છે. મિક્સ્ડ સ્કીટ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા સાથે જ ભારત પાસે હવે 17 મેડલ થઈ ગયા છે. ભારતના ખાતામાં અત્યાર સુધી 1 ગોલ્ડ, 7 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ નોંધાયા છે, જેમાં એકલા શાટિંગથી જ 8 મેડલ (4 સિલ્વર અને 4 બ્રોન્ઝ) મળ્યા છે.

4દૃ400 મીટર મિક્સ્ડ રિલે રેસની ફાઇનલમાં ભારતીય ટીમે શાનદાર તાલમેલ અને ગતિનું પ્રદર્શન કરતાં સિલ્વર મેડલ પોતાનાં નામે કર્યો હતો. એમ. આર. પૂવમ્મા, વિશાલ, વિથ્યા રામરાજ અને મનુની ક્વાર્ટેટે 3:14.46 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે રેસ પૂરી કરીને પોડિયમ પર બીજું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

શૉટગન શાટિંગના મિક્સ્ડ સ્કીટ ટીમ ઇવેન્ટમાં અનંતજીત સિંહ નારૂકા અને પરિનાઝ ધાલીવાલની જોડીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. રોમાંચક ફાઇનલ મુકાબલામાં ભારતીય જોડીએ 48માંથી 44 નિશાના સાધીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતને આ ઈવેન્ટમાં મળેલો આ પ્રથમ મેડલ છે.

રોશિબિના દેવીએ મહિલાઓની 60 કિલોગ્રામ વુશુ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમનો મુકાબલો ફાઇનલમાં ચીનની ઝાંગ જિયાયુ સામે થયો હતો. રોશીબીના 0-2થી હારી હતી. આ પદક સાથે રોશિબિના સળંગ ત્રણ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા વુશુ ખેલાડી બની ગઈ છે. આ ઉપરાંત રોઇંગમાં સતનામ સિંહ અને સલમાન ખાનની જોડીએ મેન્સ ડબલ સ્કલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું સમૃદ્ધ બનાવ્યું હતું.

આજે એથ્લેટિક્સમાં પણ ભારતને મેડલ મળ્યો છે. લોંગ-ડિસ્ટન્સ રનર સીમા કુમારીએ અસાધારણ સ્ટેમિના, ધૈર્ય અને રણનીતિનું અદ્ભુત પ્રદર્શન કરતાં મહિલાઓની 10,000 મીટર દોડ સ્પર્ધામાં ત્રીજું સ્થાન હાંસલ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ ચાલુ એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતનું મેડલનું ખાતું ઔપચારિક રીતે ખૂલી ગયું છે. આ જીતની સાથે જ સીમા કુમારી એશિયન ગેમ્સના ઈતિહાસમાં મહિલાઓની 10,000 મીટર સ્પર્ધામાં મેડલ જીતનારી ભારતની માત્ર ત્રીજી મહિલા એથ્લેટ બની ગઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક