નર્મદા તટે 22મી સપ્ટેમ્બરે યોજાયેલો રાષ્ટ્રીય સ્તરનો ફિલ્મ પુરસ્કાર સમારોહ દબદબાભર્યો હતો પરંતુ તેમાં જેમને ભારતીય સિનેક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન મળ્યું તે અનંત નાગને જ્યારે ત્યાં રુબરુ જોયા ત્યારે તેમની સાદગી, વિનમ્રતા, સાલસતા સૌ કોઈને સ્પર્શી ગયા. જૂનો પરિચય ન હોય તોય એમ અનુભવાય કે કેટલા સાદા-સરળ વ્યક્તિ. જે લોકો ફિલ્મને મનોરંજનનું જ માધ્યમ ગણે છે તેમના માટે ત્યાં આકર્ષણ ધનુષ અને અન્ય લોકપ્રિય સ્ટાર્સ હતા. વી.ડી. સાવરકર ઉપરની ફિલ્મનું દૃશ્ય જોઈને પણ એક વર્ગે ચિચિયારીઓ પાડી હતી. વિવિધતાની વચ્ચે આ જ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મભૂષણ પણ મળ્યો હોવાનો આનંદ વ્યક્ત
કરીને
અનંત નાગે પ્રતિભાવાત્મક પ્રવચન આપ્યું તે તેમની પ્રતિભાનું એક અલગ- સામાન્ય જનથી અજાણ્યું
પાસું હતું. પરદાની પેલે પાર રહેલું એક પ્રબુદ્ધ વ્યક્તિત્વ સોંસરવું દેખાઈ આવ્યું.
કળા જ્યારે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂળિયાં સાથે જોડાય છે ત્યારે તે અભિનય મટીને
આરાધના બની જાય છે, અનંત નાગની એ સ્પીચ આ વાતની સાક્ષી પૂરતી હતી.
કર્ણાટક
પ્રાંતમાં જન્મેલા આ મંજાયેલા અભિનેતાએ કહ્યું
કે દક્ષિણ ભારત મારી જન્મભૂમિ છે. મુંબઈ અને કર્ણાટક મારી કર્મભૂમિ રહ્યા પરંતુ ભારત
ભૂમિનો કોઈ એક ટૂકડો નથી તે મારા માટે ધર્મભૂમિ છે. ફિલ્મસ્ટાર કે અભિનેતા કોઈ પણ પ્રાંતમાંથી
હોય તે આખરે તો ભારતીય છે તેવું ત્યાં ઉપસ્થિત સૌએ અનુભવ્યું. કાર્યક્રમ પૂર્ણ થયા
પછી તેઓ પોતાના સ્થાને બેઠા હતા. દાદાસાહેબ
ફાળકે એવોર્ડ જેવું મોટુ સન્માન મળ્યું હોય પછી પણ વ્યક્તિ આટલી સહજતાથી બેસી શકે તે
પણ એક સિદ્ધી ગણી શકાય.
અભિનંદન
સ્વીકારતા- સસ્મિત. જન્મભૂમિ જૂથ વતી આ સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર ‘આર-પારદર્શક’ને
મળ્યો હતો. અનંત નાગ સાથે સાવ થોડી મિનિટ પરંતુ એવો સંવાદ થયો જેની સ્મૃતિ કલાકો-દિવસોમાં
વિસ્તરી શકે.
‘1986માં
પ્રસારિત થયેલું માલગુડી ડેયઝ પણ મેં જોયું છે અને 1976માં બનેલી અંકુર પણ મોટા થયા
પછી જોઈ છે. તમને આ બન્ને માધ્યમ-કૃતિ અને તે પછીની યાત્રામાં શું પરિવર્તન લાગ્યું?’
અનંત નાગે કહ્યું ‘આનો જવાબ તો લાંબો છે. સમયની સાથે વાર્તા, ક્રીપ્ટ, વિષયો બદલાય.
અભિનેતાના વેશ-પરિવેશ બદલાય પરંતુ જે પાત્ર મળે તેને સુપેરે ભજવી જાય તે ખરો અભિનેતા.’
ફાળકે એવોર્ડ મળ્યાને ખુશી સ્વાભાવિક રીતે તેમણે વ્યક્ત કરી પછી કહ્યું ‘આસપાસ બહુ
લોકો છે, અત્યારે લાંબી વાત કેમ થાય?’ જો કે અનંત નાગ સાથે વાત ન લંબાય પરંતુ તેમની
પ્રતિભા એવી છે કે વાત લંબાય જ.
અનંત
નાગની કળાનો પાયો સમજવો હોય તો મુંબઈની એ પ્રાયોગિક રંગભૂમિ સુધી જવું પડે. કિશોરાવસ્થામાં
મઠ અને આશ્રમોમાં સંસ્કૃતના શ્લોકો વચ્ચે ઉછરેલા આ તરુણે લશ્કરમાં જોડાવાના નિષ્ફળ
પ્રયાસ પછી મુંબઈની કન્નડ, મરાઠી અને કોંકણી રંગભૂમિ તરફ પગ વાળી લીધા હતા. મુંબઈના એ દિવસોમાં અમોલ પાલેકરે તેમની મુલાકાત
રંગભૂમિના ભીષ્મપિતામહ સત્યદેવ દુબે સાથે કરાવી. દુબેજીની આકરી નજર અને અવાજના મોડ્યુલેશન,
વિરામ તથા સંવાદોની પ્રાકૃતિક ફેંકણીએ અનંત નાગની અંદર રહેલા કાચા કલાકારને તરાશ્યો.
સત્યદેવ દુબે અને ગિરીશ કર્નાડની પ્રાયોગિક નાટ્યશૈલીમાં ઘડાયેલા અનંત નાગ માટે રંગભૂમિ
એ કોઈ તાળીઓ મેળવવાનું માધ્યમ નહોતું, પણ પાત્રના અસ્તિત્વમાં સંપૂર્ણપણે ઓગળી જવાની
સાધના હતી.
રંગભૂમિની
આ જ સફર તેમને ભારતીય સમાંતર સિનેમાના સુયોગ અને સુદીર્ઘ કારકિર્દી તરફ દોરી ગઈ. સત્યદેવ
દુબેએ જ શ્યામ બેનેગલને કહ્યું હતું કે, ‘મારી પાસે એક છોકરો છે, એકવાર જોઈ જુઓ‘. બેનેગલે અનંત નાગનો કોઈ ઓડિશન કે સંવાદ-પાઠ ન લીધો; માત્ર તેમના
ચહેરાની ફ્રન્ટ અને સાઈડ પ્રોફાઈલ જોઈને પોતાની નવી ફિલ્મ માટે મુખ્ય અભિનેતા તરીકે
પસંદ કરી લીધા!
આ અનુસંધાનનો
એક અત્યંત રોચક કિસ્સો ઇતિહાસ બની ગયો છે. બેનેગલ પોતાની ડેબ્યૂ ફિલ્મનું કામચલાઉ અંગ્રેજી
નામ ‘સીડાલિંગ’ (જયયમહશક્ષલ) રાખીને બેઠા હતા. તેમને યોગ્ય હિન્દી શબ્દ મળતો નહોતો
અને તેમણે સેટ પર યોગ્ય નામ સૂચવનાર માટે એક હજાર રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી હતી!
આશ્રમશાળામાં સંસ્કૃત શીખેલા અનંત નાગે સંકોચ સાથે બેનેગલને એક શબ્દ સૂચવ્યો: ‘અંકુર’.
બેનેગલ એટલા ખુશ થયા કે ફિલ્મનું નામ ‘અંકુર’ રાખ્યું અને અનંત નાગને તે ઇનામ પણ આપ્યું!
‘અંકુર’
પછી શરૂ થયો બેનેગલ અને અનંત નાગનો સુવર્ણ યુગ. ‘િનશાંત’ (1975), ‘મંથન’ (1976), ‘ભૂમિકા’
(1977), ‘કોન્ડુરા’ (1978) અને ‘કલયુગ’ (1981) સુધી આ યાત્રા ચાલી. બેનેગલના કેમેરા
સામે અનંત નાગે ક્યારેય પારંપરિક લાર્જર-ધેન-લાઈફ હીરો નથી બન્યા. ‘અંકુર’માં સામંતવાદી
વ્યવસ્થાનો નબળો, કામેચ્છુક યુવાન હોય કે ‘કલયુગ’માં આધુનિક મહાભારતનો મહત્વાકાંક્ષી
વ્યવસાયી ભરતરાજ તેમણે ગ્રે શેડ્સ ધરાવતા પાત્રોને અત્યંત સહજતાથી જીવી બતાવ્યા. નસીરુદ્દીન
શાહ, અમરીશ પુરી અને શબાના આઝમી, સ્મિતા પાટીલ જેવા ધારદાર કલાકારોની હાજરી વચ્ચે પણ
અનંત નાગનું ‘અંડરપ્લે’ હંમેશાં કેન્દ્રાબિંદુ બની રહેતું. મંથન તેનું દૃષ્ટાંત ગણી શકાય.
હિન્દીમાં
સમાંતર કે ન્યૂવેવ સિનેમામાં અભિનયના ગાંભીર્યની એક છાપ લઈને ગયા પછી કન્નડ સિનેમામાં
તેમનું નવું જ રુપ જોવા મળે. ત્યાં તેઓ માત્ર
બૌદ્ધિક સિનેમા સુધી સીમિત ન રહ્યા, પણ લોકપ્રિયતાના શિખરે પહોંચ્યા. આમ તો ગિરિશ કર્નાર્ડ જેવા ઉચ્ચસ્તરીય કળા સાધક
અને અનંત નાગ ફક્ત વ્યાવસાયિક રીતે નહીં, ભૌગોલિક રીતે પણ સમાન એટલે કે બન્ને એક જ
પ્રાંતના. કળામાં બન્નેનું કૂળ એક ગણી શકાય.
‘બયલુ
દારી’ અને ‘ચંદનદા ગોમ્બે’ જેવી ફિલ્મોએ તેમને ઘરે-ઘરે લાડીલા કલાકાર બનાવ્યા.
મોટા
અવાજે કે ચેનચાળા કરીને હસાવવાને બદલે માત્ર ટાઈમિંગ અને પરિસ્થિતિજન્ય હળવા સ્મિતથી
હાસ્ય કેવી રીતે જન્માવાય, તે તેમણે કન્નડ કોમેડી ફિલ્મોમાં કરી બતાવ્યું.
ભાઈ
શંકર નાગના નિર્દેશનમાં આર. કે. નારાયણની અમર વાર્તાઓ પર આધારિત ‘માલગુડી ડેઝ’માં તેમનો
અભિનય સિરિયલના ટાઈટલ સોંગ તાના ના ના ના ના અને ટચૂકડા સ્વામીની જેમ આજે પણ ભારતીય ટેલિવિઝનનો એક ઉજ્જવળ દસ્તાવેજ છે. ફાળકે એવોર્ડના મંચ પરથી જ્યારે તેઓ ભારતને પોતાની
‘ધર્મભૂમિ’ ગણાવીને આદિ શંકરાચાર્યના અદ્વૈત દર્શનની વાત છેડે છે, ત્યારે સમજાય છે
કે તેમની કળામાં આ શાંતિ અને એકાત્મભાવ ક્યાંથી આવ્યા છે. અનંત નાગને મળેલો આ એવોર્ડ
વાસ્તવમાં ભારતીય કળાજગતના એ સંયમ, શિસ્ત અને ભારતીયતાનું સન્માન છે.