(વિશેષ પ્રતિનિધિ તરફથી)
નવી દિલ્હી તા. 24 :દેશની રાજધાનીથી
લઈને રાજ્યોના રાજકીય વર્તુળમાં આજકાલ ચૂંટણી પંચની કાર્યપ્રણાલીને લઈને ચર્ચાઓ ચાલી
રહી છે. મતદાર યાદીનું ખાસ સઘન પુનરીક્ષણ (એસઆઈઆર), ચૂંટણી પંચની અંદર નોંધાયેલા વાંધાઓ
અને ચૂંટણી કમિશનરની નિમણૂક સાથે જોડાયેલા 2023ના કાયદાને લઈને રાજકીય પક્ષો વચ્ચે
આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ પર સુપ્રીમ કોર્ટની સુનાવણીએ
પણ આ ચર્ચાને વધુ મહત્વપૂર્ણ બનાવી દીધી છે.
રિપોર્ટ બહાર આવ્યા બાદ વિપક્ષી
પક્ષોએ ચૂંટણી પંચની કાર્યપ્રણાલી પર પોતાના સવાલો વધુ આક્રમક બનાવ્યા છે. કોંગ્રેસે
25 સપ્ટેમ્બરે દેશભરમાં રાજ્ય ચૂંટણી પંચોની કચેરીઓ સુધી વિરોધ માર્ચ કાઢવાનું આહ્વાન
કર્યું છે. પક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા અને તેમના કાર્યકાળ
દરમિયાન લેવાયેલા ચૂંટણી નિર્ણયો તથા મતદાર યાદીઓમાં કરાયેલા ફેરફારોની સ્વતંત્ર સમીક્ષા
કરવાની માગણી કરી છે. આ કોંગ્રેસની રાજકીય માંગણીઓ છે. વિપક્ષ તરફથી પંચની સ્વાયત્તતા
અને નિર્ણય પ્રક્રિયા સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, જ્યારે પંચ પોતાની પ્રક્રિયાઓને
નિર્ધારિત કાનૂની અને વહીવટી માળખા અનુસાર યોગ્ય ગણાવી રહ્યું છે.
ચૂંટણી સંસ્થાઓ પર જનવિશ્વાસ
બન્યો મુખ્ય મુદ્દો
એસઆઈઆર, મતદાર યાદીમાં ફેરફાર,
ચૂંટણી પંચની અંદર નોંધાયેલા વાંધાઓ અને ચૂંટણી કમિશનરોની નિમણૂકની પ્રક્રિયા આ તમામ બાબતોની અસર ચૂંટણી સંસ્થાઓની કાર્યપદ્ધતિ
અને પારદર્શિતા પર પડી રહી છે. લોકશાહીમાં ચૂંટણી એ માત્ર મતદાન કરવાની ઔપચારિક પ્રક્રિયા
નથી. મતદાર યાદી તૈયાર કરવાથી લઈને ચૂંટણી સંપન્ન કરાવવા અને ચૂંટણી વિવાદોના નિરાકરણ
સુધીની સમગ્ર વ્યવસ્થામાં નિષ્પક્ષતા અને પારદર્શિતા અત્યંત અનિવાર્ય છે. આથી વર્તમાન
વિવાદ માત્ર રાજકીય પક્ષો વચ્ચેના આક્ષેપબાજી પૂરતો મર્યાદિત નથી, પરંતુ એ મોટો સવાલ
પણ ઊભો કરે છે કે ચૂંટણી સંસ્થાઓની નિષ્પક્ષતા જનતા સમક્ષ કેટલી પારદર્શક અને જવાબદેહ
દેખાય છે.આગામી દિવસોમાં આ સમગ્ર મુદ્દે સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાજકીય મંચો પર ચર્ચા
વધુ તીવ્ર બનવાના એંધાણ છે. જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચના આંતરિક વાંધાઓ પર આગળ
શું સ્પષ્ટતા આવે છે અને સુપ્રીમ કોર્ટની મોટી બેંચ આ કેસમાં શું વલણ અપનાવે છે.
-------------
જ્ઞાનેશકુમાર દેશદ્રોહી, રાજીનામું
દે : રાહુલ
કોંગ્રેસ સાંસદના આરોપ : કુમારે
મતચોરી કરી; મોદી-શાહ તેમને બચાવે છે
નવી દિલ્હી, તા. 24 : ચૂંટણીપંચની
પ્રક્રિયા અંગે અહેવાલ બાદ વિપક્ષી છાવણીના પંચ પર પ્રહારો શરૂ થઇ ગયા છે. કોંગ્રેસ
સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર પર આકરા પ્રહારો, આક્ષેપોનો મારો
ચલાવ્યો હતો. રાહુલે જ્ઞાનેશકુમારને દેશદ્રોહી પણ લેખાવી નાખતાં તેમના રાજીનામાંની
માંગ કરી હતી.
કોંગ્રેસ નેતાએ આરોપ મૂક્યો હતો
કે, જ્ઞાનેશકુમારે મતચોરી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્ઞાનેશકુમારને નિયુક્ત
કર્યા. તેમના વિરુદ્ધ મેં લખેલા પત્ર પર કોઇ કાર્યવાહી એ કારણે ન થઇ કે પીએમ મોદી અને
ગૃહમંત્રી અમિત શાહ જ્ઞાનેશકુમારને બચાવે છે, તેવા આરોપ રાહુલે કર્યા હતા.
રાહુલે કહ્યું હતું કે, ઇન્દિરા
બાંગલાદેશ યુદ્ધમાં જીત્યા પછી પણ ચૂંટણીમાં હારી ગયા હતા. ભારતમાં દરેક સરકાર સામે
શાસનવિરોધી લહેર હોય છે. ભાજપ સાથે આવું ન થયાનું કારણ જ્ઞાનેશકુમાર છે.