• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

આયાત જકાતમાં ઘટાડો થતા ખાદ્યતેલના ભાવ તૂટયા

 સીંગતેલ, કપાસિયા, મકાઈ તેલમાં રૂ.20, પામતેલમાં રૂ. 15 અને સૂર્યમુખીમાં રૂ.30નો ઘટાડો

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.24 : ખાદ્યતેલ બજારમાં ભારે તેજી બાદ છેલ્લા કેટલાક દિવસોથી આયાત થતા તેલની જકાતમાં સરકાર ઘટાડો કરશે તેવી અટકળો સાચી ઠરી છે. સરકાર દ્વારા બુધવારે મોડી રાત્રે પામતેલ, સોયાબીન અને સનફલાવર તેલની આયાત જકાતમાં ધરખમ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે અને આ ઘટાડો તાત્કાલીક અમલી બનાવવામાં આવ્યો છે. નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો પૂર્વે જ તેલના ભાવ ઘટતા ગરીબ અને મધ્યમ વર્ગને રાહત મળશે. આયાત જકાત ઘટવાથી છૂટક બજારમાં ખાદ્યતેલના ભાવ તૂટી ગયા હતા.

ચાલુ વર્ષે છેલ્લા છ મહિનામાં ખાદ્યતેલના ભાવમાં 30 ટકા સુધીની તેજી થઈ ગઈ છે. બીજી તરફ ચોમાસાની ખાધને કારણે તેલિબિયાનું ઉત્પાદન ઘટવાની ધારણાએ ભાવમાં એકધારો વધારો થઈ રહ્યો છે. જેના લીધે સરકાર સફાળી જાગી હતી. આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય પ્રજાને મોંઘવારીમાંથી મુક્તિ અપાવવા અને તહેવારોની સિઝનમાં ખાદ્યતેલના ભાવ નિયંત્રણમાં રાખવા માટે ક્રૂડ તથા રિફાઇન્ડ તેલની આયાત જકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે બજારમાં તેલિબિયાની આવક ટાંણે જ તેલના ભાવ તૂટતા ખેડૂતોને નુકસાન થશે.

સરકારના આ પગલાથી સ્થાનિક બજારમાં તાત્કાલીક અસરથી ખાદ્યતેલના ભાવ તૂટી ગયા હતા. સીંગતેલ સહિત તમામ ખાદ્યતેલના ભાવ ઉપર અસર થઈ હતી. જેમાં સીંગતેલ, કપાસિયા      અને મકાઈ તેલમાં રૂ. 20, સૂર્યમુખી તેલમાં રૂ. 30 અને પામતેલમાં રૂ. 15નો ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ અસર સૂર્યમુખી તેલ ઉપર થશે. કારણ કે કાચા સૂયમુખી તેલની આયાત જકાત 10 ટકાથી ઘટાડીને શુન્ય કરી નાંખવામાં આવી છે. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ નીચા આવશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

ખરીફ સીઝનની આવક શરૂ થઈ છે. આગામી દિવસોમાં કપાસ, મગફળી સહિતની તેલિબિયાની આવક વધવાની છે ત્યારે આયાત જકાત ઘટાડાને પગલે તેલિબિયા પકવતા ખેડૂતોને નુકસાન થવાની ચિંતા વધી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક