• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

‘અર્નબ’ ત્રાટક્યું : આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યમાં એલર્ટ !

નવી દિલ્હી, તા. 24 : બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘અર્નબ’ વાવાઝોડું ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટ સાથે મોડી રાત્રે 11થી 1 વાગ્યાની વચ્ચે ટકરાયું હતું. આ વાવાઝોડાંની અસરના કારણે બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઓડિશામાં સુરક્ષાના ભાગરૂપે આશરે 5000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે દક્ષિણી જિલ્લાઓમાં 4થી વધુ પુલ અને રસ્તાઓ ધોવાઈ ગયા છે.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કલિગપટ્ટનમ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે 75 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા. વિજયવાડામાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને શહેરની ઘણી શાળાઓમાં સતત બીજા દિવસે રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ છેલ્લા 6 કલાકમાં 3 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના કેટલાક હિસ્સાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જેમાં દાર્જાલિંગ અને કલિમપોંગમાં ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આગામી સમયમાં દેશના ઘણા ભાગોમાં હવામાનનો મિજાજ બદલાવવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા વિવિધ રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ભારે વરસાદ કે ખરાબ હવામાનની સંભાવનાને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું જોખમ હોવાથી ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે.

ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય અને કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક