કોંગ્રેસ સહિત વિપક્ષોની તૈયારી : ચૂંટણીપંચના વડા ઘેરાયા
નવી
દિલ્હી, તા. 24 : ચૂંટણીપંચ અને ‘સર’ના ખુલાસા પછીથી ઘેરાયેલા મુખ્ય ચૂંટણી કમિશનર
જ્ઞાનેશકુમારની મુશ્કેલી વધતી જઇ રહી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો ચૂંટણીપંચના વડા
સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસની
આગેવાનીમાં તમામ વિપક્ષો સંસદના બંને ગૃહોમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ
મહાભિયોગની નોટિસ આપશે.
આ સંબંધમાં
મુસદ્દો તૈયાર કરાઇ રહ્યો છે અને થોડા દિવસમાં જ બંને ગૃહોમાં મુકાશે. મહાભિયોગના પ્રસ્તાવ
માટે સત્રની કાર્યવાહી જારી રહેવી જરૂરી નથી.
કોંગ્રેસના
સૂત્રોએ જણાવ્યું હતું કે, કાયદાના તજજ્ઞોની મદદથી મહાભિયોગનો પ્રસ્તાવ તૈયાર કરવાની
તૈયારી ચાલી રહી છે. એક અહેવાલથી આખાં ચૂંટણીપંચ અને મતદારયાદી સુધારણા (સર)ની પ્રક્રિયા
સામે સવાલ ઊઠયા છે ત્યારે વિપક્ષી છાવણીને તૈયાર મુદ્દો મળી ગયો છે. વિપક્ષ પહેલાં
પણ મતચોરી તેમજ ચૂંટણીપંચની ભૂમિકા સામે લગાતાર સવાલ ઊઠાવતો રહ્યો છે. અંગ્રેજી અખબારનો
અહેવાલ સામે આવ્યા બાદ કોંગ્રેસ સહિત વિપક્ષોએ ચૂંટણીપંચની કામગીરી સામે સવાલો ઊઠાવવા
માંડયા છે.
જ્ઞાનેશે
કર્યું સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન !
સુપ્રીમના
વકીલે સરકાર પાસે માગી મુખ્ય ચૂંટણી કમિશનર સામે કેસ કરવાની મંજૂરી
નવીદિલ્હી,
તા.24 : દેશના પ્રમુખ ચૂંટણી કમિશનર(સીઈસી) જ્ઞાનેશ કુમારે મતદાર યાદીની ઘનિષ્ઠ સુધારણા(સર)ના
કાર્યક્રમમાં મનમાની ચલાવી હોવાના ઘટસ્ફોટ બાદ આ સમગ્ર પ્રકરણ હવે સુપ્રીમ કોર્ટના
દ્વારે પહોંચવાની તૈયારીમાં છે. સુપ્રીમ કોર્ટના એક વકીલે ભારતના એટર્ની જનરલ સમક્ષ
સીઇસી વિરુદ્ધ અપરાધિક અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી માગી છે. વકીલનો આરોપ
છે કે, તેમણે ચૂંટણીપંચનાં કામકાજ સંબંધિત સુપ્રીમ કોર્ટનાં ફેંસલાઓની ઈરાદાપૂર્વક
અવગણના કરી હતી. વકીલ બ્રજેશ સિંહે આજે એટર્ની જનરલ આર. વેંકટરમણીને લખેલા પત્રમાં
અદાલતનાં અનાદર કાયદાની કલમ 1પ(1)(બી) અને કલમ 2(સી) સાથે સુપ્રીમ કોર્ટમાં અવમાનના
કાર્યવાહી નિર્ધારિત કરતા નિયમ-3નો હવાલો પણ આપ્યો હતો. બ્રજેશ સિંહનું કહેવું છે કે,
ટી.એન. શેષન વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટનાં આદેશનું જ્ઞાનેશ કુમારે
ઉલ્લંઘન કર્યું છે. તે ફેંસલા અનુસાર ચૂંટણી પંચે અનેક સદસ્યોવાળી બંધારણીય સંસ્થા
તરીકે કામ કરવું જોઈએ અને મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ સમાન અધિકારવાળા પદમાં આગળ હોય
છે, તે સર્વેસર્વા નથી. ટી.એન.શેષના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સીઇસીને
સંસ્થાથી અધિક શક્તિશાળી દર્શાવી શકાય નહીં અને સદસ્યોવાળા ચૂંટણીપંચમાં નિર્ણય પંચનો
હોય છે, તેના પ્રમુખનો નહીં.
જ્ઞાનેશ
કુમાર સામે મહુઆ મોઈત્રાની પોલીસ ફરિયાદ
નવી દિલ્હી, તા.24: ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મનમાની ચલાવ્યાનાં ઘટસ્ફોટ કરતાં મીડિયાનાં અહેવાલ બાદ તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાએ દિલ્હીમાં સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં તેમનાં વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં મહુઆએ આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં હેરાફેરી કરી છે અને જ્ઞાનેશ કુમારે અને ચૂંટણી પંચની આઈટી સિસ્ટમે મતદાર યાદીની જાળવણી માટે જવાબદાર સ્થાનિક અધિકારીઓને હાંસિયામાં રાખી દીધા હતાં. મળતા અહેવાલો અનુસાર પોલીસે હજી સુધી એફઆઈઆર નોંધી નથી. મહુઆએ કહ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર પાસે પોતાનાં બન્ને સહયોગીનાં અભિપ્રાયની વિરુદ્ધ કોઈ પગલાં ભરવાનો અધિકાર નથી