ઇજાને લીધે અબુધાબીથી સીધો જ લંડન જશે: ઈંગ્લેન્ડની ટીમ આજે રાજકોટ પહેંચશે: ભારતના કેટલાંક ખેલાડી આજે નેટ પ્રેક્ટિસ કરશે
રાજકોટ, તા.11: ભારત સામેના રાજકોટ ખાતે રમાનાર ત્રીજા ટેસ્ટ પૂર્વે ઇંગ્લેન્ડની ટીમને મોટો ફટકો પડયો છે. ટીમનો અનુભવી સ્પિનર જેક લિચ ઇજાને લીધે પૂરી શ્રેણીની બહાર થઇ ગયો છે. હૈદરાબાદમાં પહેલા ટેસ્ટ દરમિયાન ફિલ્ડીંગ કરતી વખતે તેના ડાબા પગમાં ઇજા થઇ હતી. આથી તે બીજા ટેસ્ટનો હિસ્સો બની શકયો ન હતો. ઇંગ્લેન્ડની ટીમને આશા હતી કે 10 દિવસના બ્રેક દરમિયાન જેક લિચની ઇજામાં સુધારો થશે અને વાપસી કરશે, પણ તેની ઇજા ગંભીર હોવાથી તે રાજકોટ આવશે નહીં અને અબુધાબીથી સીધો જ લંડન રવાના થશે. જેક લિચના સ્થાને ઇંગ્લેન્ડની ટીમમાં અન્ય કોઇ ખેલાડીના સમાવેશની જાહેરાત થઇ નથી. ઇંગ્લેન્ડની ટીમમાં હવે ત્રણ નિયમિત સ્પિનર રેહાન અહેમદ, ટોમ હાર્ટલે અને શોએબ બશિર છે. રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ બે ફાસ્ટ બોલર અને બે સ્પિનર સાથે ઉતરી શકે છે.
ગુરુવારથી રાજકોટમાં રમાનાર ત્રીજા ટેસ્ટ માટે ભારતના કેટલાંક ખેલાડીઓ આજે આવી પહોંચ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ખાસ વિમાનમાં અબુધાબીથી આવતીકાલ સોમવારે રાજકોટ પહોંચશે.
એવું પણ જાણવા મળે છે કે, ભારતના ખેલાડીઓ સોમવારે ખંઢેરી સ્ટેડીયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ મંગળવારથી નેટ પ્રેકિટસનો પ્રારંભ કરશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની યાદીમાં જણાવાયું છે કે, હવેથી રાજકોટનું સ્ટેડિયમ નિરંજન શાહ સ્ટેડિયમ તરીકે ઓળખાશે. તા.14મીએ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહના હસ્તે નામકરણ થશે.