• મંગળવાર, 23 એપ્રિલ, 2024

ટીમ ઇન્ડિયા શ્રેણી કબજે કરવા લડશે: રાંચીમાં આજથી ચોથો ટેસ્ટ ઉપરાઉપરી બે હાર બાદ ઇંગ્લેન્ડ સામે વાપસીનો પડકાર

બુમરાહનાં સ્થાને આકાશ અને મુકેશમાંથી એકને તક મળશે

રાંચી, તા.22: ત્રીજા ટેસ્ટમાં રાજકોટ ખાતે મળેલ 434 રનની વિક્રમી જીત બાદ 2-1થી આગળ ચાલી રહેલ અને  આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ શુક્રવારથી ચોથા ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે ત્યારે ટીમ ઇન્ડિયાનો ઇરાદો ઇંગ્લેન્ડની બેઝબોલ રણનીતિની ફરી એકવાર ધજ્જીયાં ઉડાડીને શાનદાર જીત સાથે 3-1ની અતૂટ સરસાઈથી શ્રેણી કબજે કરવાનો રહેશે. રોહિતની ટીમ ઘરઆંગણે સતત 17મી શ્રેણી જીતવા કટિબધ્ધ છે. બીજી તરફ પહેલા ટેસ્ટની જીત બાદ ઉપરાઉપરી બે હાર સહન કરનાર ઇંગ્લેન્ડની ટીમનું લક્ષ્ય વાપસી કરવાનું રહેશે.

2012માં એલિસ્ટર કૂક આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમ સામે હાર્યા બાદ ભારતીય ટીમ પોતાની ધરતી પર સતત સારો દેખાવ કરી રહી છે. એ પછી જે 47 ટેસ્ટ મેચ રમાયા છે તેમાંથી 38 મેચમાં જીત નોંધાવી છે. આ દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ જ હારનો સમાનો કરવો પડયો છે.

વર્તમાન શ્રેણીમાં વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં અને કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ઇજાની સ્થિતિ વચ્ચે રોહિત શર્માની આગેવાનીમાં યુવા ખેલાડીઓએ સારો દેખાવ કર્યો છે.ખાસ કરીને યશસ્વી જયસ્વાલે બે બેવડી સદી સાથે જબરદસ્ત દેખાવ કર્યો છે. સરફરાઝ ખાને પણ ડેબ્યૂ મેચમાં પ્રભાવશાળી પ્રદર્શન કરીને બે અર્ધસદી કરી હતી. શુભમન ગિલ ત્રીજા નંબર પર હવે પગ જમાવી રહ્યો છે. શ્રેણીમાં સૌથી વધુ 17 વિકેટ લેનાર બુમરાહને આ મેચમાં વિશ્રામ અપાયો છે. તેની ખોટ ભારતીય ટીમને પડશે.

બુમરાહના સ્થાને ભારતીય ઇલેવનમાં મુકેશ કુમાર અને આકાશદિપમાંથી કોઇ એકને તક મળશે. મુકેશ કુમાર અનુભવી છે અને હાલમાં જ રણજી ટ્રોફીમાં 10 વિકેટ લીધી હતી. તે બીજા ટેસ્ટનો પણ હિસ્સો હતો. રાંચની પીચ સ્પિનરોને મદદગાર રહે છે. આથી ભારતની ટીમમાં ઓછામાં ઓછા ત્રણ સ્પિનર ચાલુ રહેશે. અશ્વિન-રવીન્દ્ર-કુલદીપ રૂપી ત્રિપુટીને લીધે અક્ષર પટેલની વાપસીની સંભાવના ઓછી છે.

આ મેદાન પર છેલ્લો ટેસ્ટ 2019માં રમાયો હતો. ત્યારે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે દ. આફ્રિકા વિરૂધ્ધ 10 વિકેટ લીધી હતી જ્યારે સ્પિનરોને 8 વિકેટ મળી હતી. એ જોવું રસપ્રદ રહેશે કે ઉપરાઉપરી બે હાર બાદ ઇંગ્લેન્ડની ટીમ તેની બેઝબોલ રણનીતિ પર કાયમ રહે છે કે પરંપરાગત ટેસ્ટ ક્રિકેટ શૈલિ ફરી અપનાવે છે. ઇંગ્લેન્ડને તેના બે મુખ્ય બેટર જો રૂટ અને જોની બેયરસ્ટો ફોર્મમાં વાપસી કરે તેવી આશા રહેશે. ઇંગ્લિશ કપ્તાન બોલિંગ મોરચે જોડાય તેવી સંભાવના છે. મેચ સવારે 9-30થી શરૂ થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક