• સોમવાર, 27 મે, 2024

ભારતના ગ્રાંડમાસ્ટર ગુકેશે ઇતિહાસ રચ્યો સૌથી નાની વયે કેન્ડિડેટ્સ ચેસ ચેમ્પિયન વર્લ્ડ ચેમ્પિયનને પડકાર અપનારો સૌથી યુવા શતરંજ ખેલાડી બનશે

ટોરેન્ટો, તા.22 : ભારતના 17 વર્ષીય ગ્રાંડમાસ્ટર ડી. ગુકેશે ઇતિહાસ રચ્યો છે. તે કેન્ડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ જીતીને વર્લ્ડ ચેમ્પિયનને ચુનૌતિ આપનારો સૌથી નાની વયનો શતરંજ ખેલાડી બન્યો છે. ગુકેશે મહાન રશિયન ગ્રાંડમાસ્ટર ગેરી કાસ્પરોવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. કેન્ડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટના આખરી રાઉન્ડમાં અમેરિકી ખેલાડી હિકારૂ નાકામુરા વિરુદ્ધ તેણે ડ્રો બાજી રમી હતી. આથી તે આ ટૂર્નામેન્ટમાં 14માંથી 9 પોઇન્ટ હાંસલ કરીને ચેમ્પિયન બન્યો હતો. આ ટૂર્નામેન્ટ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીને પડકાર આપવા માટે ખેલાડીની પસંદગી માટે યોજાય છે. આ ઐતિહાસિક જીત સાથે 17 વર્ષીય ગુકેશને આ વર્ષના અંતમાં ચીનના વર્તમાન વિશ્વ વિજેતા ડિંગ લિરિન વિરુદ્ધ રમવાનો મોકો મળશે. ડી. ગુકેશની આ અભૂતપૂર્વ સિદ્ધિને પીએમ મોદીએ બિરાદાવી છે. ભારતના પૂર્વ વિશ્વ વિજેતા ગ્રાંડમાસ્ટર વિશ્વનાથન આનંદે પણ ગુકેશને અભિનંદન આપ્યા છે. અગાઉ રૂસી ચેમ્પિયન ગેરી કાસ્પરોવે જ્યારે આ ટૂર્નામેન્ટ 1984માં જીતી ત્યારે તે 22 વર્ષના હતા. 

ગુકેશને કેન્ડિડેટ્સ ચેસ ટ્રોફી જીતવા સાથે લગભગ 78. પ લાખ રૂપિયાનું ઇનામ પણ મળ્યું છે. તે આ પ્રતિષ્ઠિત શતરંજ ટૂર્નામેન્ટ જીતનારો વિશ્વનાથન આનંદ પછીનો બીજો ભારતીય ખેલાડી બન્યો છે. ચેન્નાઇના ડી ગુકેશને ચેસનો ચાણક્ય કહેવામાં આવે છે. તે 12 વર્ષની વયે ગ્રાંડમાસ્ટર બન્યો હતો. તેનું પૂરું નામ ડોમ્મારાજુ ગુકેશ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક