• મંગળવાર, 25 જૂન, 2024

ચક દે કોલકતા IPL ચેમ્પિયન: ફાઇનલમાં હૈદરાબાદનો ધબડકો

114 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક 2 વિકેટ ગુમાવી ફકત 10.3 ઓવરમાં સર કરી ઊંઊંછ ચેમ્પિયન: વૈંકટેશ અય્યરની અર્ધસદી: રસેલની 3 અને સ્ટાર્કની 2 વિકેટ

 

ચેન્નાઇ તા.26: આઈપીએલ-2024 સીઝનમાં કોલકતા નાઇટ રાઇડર્સ ટીમ સંપૂર્ણ દબદબા સાથે ચેમ્પિયન બની છે. આજે રમાયેલા એકતરફી ફાઇનલમાં કોલકતાનો સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ પ7 દડા બાકી રહેતા 8 વિકેટે આક્રમક વિજય થયો હતો. આઇપીએલ ઇતિહાસમાં કેકેઆર ટીમ ત્રીજીવાર અને એક દશક બાદ પહેલીવાર વિજેતા બની છે. અગાઉ કેકેઆર ટીમ 2012 અને 2014 સીઝનમાં ગૌતમ ગંભીરના સુકાનીપદ હેઠળ ચેમ્પિયન બની હતી. હવે ગંભીરના માર્ગદર્શન હેઠળ 2024 સીઝનમાં ટ્રોફી જીતવામાં સફળ રહી છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્તમાન સીઝનમાં રનના ઢગલા કર્યાં હતા, પણ ફાઇનલમાં ફકત 113 રનના સ્કોર પર ડૂલ થઇ ગઇ હતી. વૈંકટેશ અય્યરની આતશી અર્ધસદીની મદદથી કેકેઆરે ફકત 10.3 ઓવરમાં બે વિકેટે 114 રન કરી 8 વિકેટે ધસમસતી જીત મેળવી આઇપીએલ ટ્રોફી સાથે 20 કરોડનું ઇનામ કબજે કર્યું હતું. કેકેઆરની જીત બાદ શાહરૂખ ખાન તેના પરિવાર સાથે મેદાનમાં ધસી આવ્યો હતો.

114 રનના મામૂલી વિજય લક્ષ્યનો પીછો કરતા કોલકતા નાઇટ રાઇડર્સની શરૂઆત પણ નબળી રહી હતી. કેકેઆરનો ઇન ફોર્મ ઓપનર સુનિલ નારાયણ બીજી ઓવરમાં જ 6 રને આઉટ થયો હતો. સનરાઇઝર્સના કેપ્ટન કમિન્સે તેની વિકેટ લીધી હતી. આ પછી ગુરબાજ અને વૈંકટેશ વચ્ચે બીજી વિકેટમાં 4પ દડામાં 91 રનની વિજયી ભાગીદારી થઇ હતી. ગુરબાજ 32 દડામાં પ ચોકકા-2 છકકાથી 39 રને આઉટ થયો હતો. વૈંકટેશ અય્યરે ફાઇનલ ફિનિશ કર્યોં હતો. તે 26 દડામાં 4 ચોકકા-3 છકકાથી બાવન રને અને કપ્તાન શ્રેયસ અય્યર 6 રને નોટઆઉટ રહ્યા હતા.

ટોસ જીતી પ્રથમ દાવ લેનાર સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ ફાઇનલમાં કોલકતા નાઇટ રાઇડર્સની ચુસ્ત બોલિંગ સામે ખરાબ બેટિંગ કરીને 18.3 ઓવરમાં 113 રનના મામૂલી સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.  સનરાઇઝર્સના 7 બેટર્સ ડબલ ફીગરમાં પહોંચી શક્યા ન હતા. સૌથી વધુ 24 રન કપ્તાન પેટ કમિન્સે કર્યા હતા. આઇપીએલની વર્તમાન સીઝનમાં રનનો ધોધ વહાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ ફાઇનલમાં જ ફસકી પડી હતી. તેની ઇનિંગમાં ફક્ત 3 છક્કા લાગ્યા હતા જ્યારે ચોક્કાની સંખ્યા 8 રહી હતી. કેકેઆર તરફથી સૌથી વધુ 3 વિકેટ આંદ્રે રસેલે 19 રનમાં ઝડપી હતી. સ્ટાર્કે ફરી એકવાર પાવર પ્લેમાં બે વિકેટ લીધી હતી. હર્ષિત રાણાને પણ બે વિકેટ મળી હતી. સુનિલ નારાયણ, વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તીને 1-1 વિકેટ મળી હતી. પાવર પ્લેમાં રનની આતશબાજી કરનાર સનરાઇઝર્સ ટીમ ફાઇનલમાં પાવર પ્લેમાં 40 રન જ કરી શકી હતી અને આ દરમિયાન 3 વિકેટ ગુમાવી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ઘણી કંગાળ રહી હતી. તેના બે મુખ્ય બે બિગ હિટર અભિષેક શર્મા (2) અને ટ્રેવિસ હેડ (0) બે ઓવરની અંદર પાછા ફર્યાં હતા. આ પછી રાહુલ ત્રિપાઠી 9 રને આઉટ થયો હતો. પાવર પ્લેમાં સ્ટાર્કે બે વિકેટ અને વૈભવે એક લઇને હૈદરાબાદને ભીંસમાં લાવી દીધું હતું. એડન માર્કરમ 20, નીતિશ રેડ્ડી 13, હેનિરક કલાસેન 16 રને આઉટ થયા હતા. હૈદરાબાદના તમામ ફટકાબાજ ફાઇનલમાં પાણી બેસી ગયા હતા અને તું જા અને હું આવું જેવો તાલ સર્જાયો હતો. અબ્દુલ સમદે 4 રન કર્યા હતા. કપ્તાન કમિન્સ આખરી વિકેટનાં રૂપમાં આઉટ થયો હતો. તેણે 19 દડામાં 2 ચોક્કા-1 છક્કાથી 24 રન કરી સનરાઇઝર્સ હૈદરાબાદને 113 રને પહોંચાડયું હતું. આઇપીએલ ઇતિહાસમાં ફાઇનલનમાં આ સૌથી ઓછો ટીમ ટોટલ સ્કોર છે.

 

 

ઈંઙક ફાઇનલમાં સૌથી ઓછો સ્કોર

113     હૈદરાબાદ વિ. કોલકતા        આજે

125/9  ચેન્નાઈ વિ. મુંબઈ 2013

128/6  પૂણે વિ. મુંબઈ     2017

129/8  મુંબઈ વિ. પૂણે     2017

સનરાઇઝર્સ હૈદરાબાદનો સૌથી ઓછો સ્કોર

96        વિ. મુંબઈ           2019

113     વિ. મુંબઈ           2015

113     વિ. કોલકતા         આજે

114     વિ. પંજાબ           2020

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024