• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

તિરુપતિ મંદિરના લાડુમાં ઘીના બદલે પશુની ચરબી!

હિન્દુઓની આસ્થા સાથે ‘પાપી’ ચેડાં : ચંદ્રાબાબુનાં ચોંકાવનારા દાવા પછી પ્રસાદમાં ફિશ ઓઇલ, બીફ ફેટની પુષ્ટિ

જગનની સરકાર વખતે પવિત્રતા ખરડાયાનો આરોપ : YSR કોંગ્રેસે નાયડુ ઉપર હલકું રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો

નવીદિલ્હી, તા.19: કરોડો હિન્દુઓની લાગણી દુભાય તેવા એક ચોંકાવનારા અને વિચલિત કરી દેનારા દાવામાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું છે કે, અગાઉની વાયએસઆર કોંગ્રેસની સરકારનાં રાજમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદનાં લાડુમાં ઘીનાં બદલે જાનવરોની ચરબીનો ઉપયોગ થતો હતો ! જો કે જગન મોહન રેડ્ડીના પક્ષ દ્વારા આ આક્ષેપનું ખંડન કરવામાં આવ્યું છે અને આવા દાવાને દુર્ભાવનાપૂર્ણ ગણાવીને નકારી દીધો છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તિરુપતિ મંદિરના પ્રસાદમાં ઘીના બદલે જાનવરોની ચરબી મળી હોવાનો ખળભળાટ મચાવતો દાવો કર્યા પછી પ્રસાદના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને તેમાં પ્રસાદીમાં ફિશ ઓઇલ એટલે કે માછલીના તેલ અને બીફ ફેટની પુષ્ટિ થતાં ખળભળાટ મચી ગયો છે. જે તિરુપતિ બાલાજી મંદિરમાં દૈનિક પ0 હજારથી એકાદ લાખ જેટલા દર્શનાર્થીઓ આસ્થાથી આવે છે તેમની લાગણી દુભાય તેવી આ હરકતથી સમગ્ર દેશમાં રોષની લાગણી ઉઠી છે. એનડીએ વિધાયક દળની બેઠકને સંબોધન કરતાં ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે, જગન રેડ્ડીની સરકારમાં તિરુપતિના શ્રી વૈંકટેશ્વર મંદિર દ્વારા પ્રસાદમાં આપવામાં આવતા લાડુ બનાવવા માટે શુદ્ધ ઘીના સ્થાને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) દ્વારા કરવામાં આવે છે. 

નાયડુના પક્ષ ટીડીપીએ ભાજપ અને પવન કલ્યાણના જનસેના સાથે ગઠબંધનમાં રાજ્યમાં સરકાર રચવામાં આવી છે. નાયડુએ ગઠબંધનના વિધાયકોને સંબોધતા કહ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં વાયએસઆર કોંગ્રેસનાં નેતાઓએ તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી છે. જેમાં અન્નદાનની ગુણવત્તા સાથે બાંધછોડ થઈ ગઈ છે અને ઘીનાં સ્થાને પશુની ચરબીનો ઉપયોગ કરીને પવિત્રતાને દૂષિત કરી હતી. આ ખુલાસાએ ચિંતા પેદા કરી છે અને અમારી સરકારમાં મંદિરમાં શુદ્ધ ઘીનો જ ઉપયોગ થાય છે. અમે પવિત્રતાની રક્ષા કરવાના પ્રયાસો કરીએ છીએ, તેવું ચંદ્રાબાબુએ કહ્યું હતું.

ચંદ્રાબાબુનાં આક્ષેપ પછી જગનનાં પક્ષ વાયએસઆરસીપીએ જવાબ આપતા કહ્યું છે કે, ચંદ્રાબાબુ નાયડુ દિવ્યમંદિર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને હાનિ પહોંચાડીને મોટું પાપ કર્યુ છે. પ્રસાદ વિશે તેમની ટિપ્પણી અત્યંત હલકી છે. ચંદ્રાબાબુ રાજકારણ રમવા માટે કોઈપણ હદે જઈ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક