-મોરારિબાપુની ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ કાર્યક્રમ : સાંસદ પરશોત્તમ રુપાલા, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા, ટ્રસ્ટી સંજયભાઈ શાહ, સીઈઓ કુંદનભાઈ વ્યાસ રહેશે ઉપસ્થિત
-સાહિત્યક્ષેત્રે
મનસુખ સલ્લા, ઉદ્યોગક્ષેત્રે નીતિન પટેલ, રમતગમતમાં સોનલ વસોયા, સેવાક્ષેત્રે જયેશ
ઉપાધ્યાય અને ખેતીમાં કામ કરનાર ઉપેન્દ્ર નાથાણીને ફૂલછાબ એવોર્ડ અપાશે
રાજકોટ
તા. 1 : સૌરાષ્ટ્રના લોકોના હૃદયના ધબકાર સમાન વર્તમાનપત્ર ફૂલછાબ 2 ઓક્ટોબરે 104મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. પ્રતિવર્ષની જેમ
આ વર્ષે પણ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરીને સિદ્ધિ મેળવનાર સૌરાષ્ટ્રના પાંચ વ્યક્તિત્વને
ફૂલછાબ એવોર્ડથી સન્માનિત કરાશે. તા. 2 ઓક્ટોબર, બુધવારે સાંજે 5 થી 7 દરમિયાન હેમુ
ગઢવી હોલ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂ. મોરારિબાપુના
હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
કોરોનાના
વર્ષને બાદ કરતાં છેલ્લા 10 વર્ષથી ફૂલછાબ દર વર્ષે મૂળ સૌરાષ્ટ્રના હોય તેવી પાંચ
પ્રતિભાશાળી વ્યક્તિને એવોર્ડ આપે છે, આ વર્ષે પણ તે પરંપરા જળવાશે. 103 વર્ષથી ગુજરાતી
પત્રકારત્વમાં ફૂલછાબનું સ્થાન અનેરું અને અદકેરું છે. પાણીદાર પત્રકારત્વની સાથે વિવિધ
સામાજિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રસર એવા ફૂલછાબે આ એવોર્ડ આપીને સમાજમાં વિવિધ ક્ષેત્રે
કાર્યરત લોકોની કદર રુપે આ એવોર્ડ શરુ કર્યા છે. સાહિત્યક્ષેત્રે મનસુખ સલ્લા, ઉદ્યોગક્ષેત્રે
નીતિન પટેલ, રમતગમતમાં સોનલ વસોયા, સેવાક્ષેત્રે જયેશ ઉપાધ્યાય અને ખેતીમાં કામ કરનાર
ઉપેન્દ્ર નાથાણીને ફૂલછાબ એવોર્ડ અપાશે
પ્રતિવર્ષની
જેમ આ વર્ષે પૂ. મોરારિબાપુ ફૂલછાબના આ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે
અને પાંચ પ્રતિભાને સન્માનિત કરશે. આ અવસરે રાજકોટના સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી
પરશોત્તમ રુપાલા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી
હાર્દિકભાઈ મામણિયા, ટ્રસ્ટી સંજયભાઈ શાહ, સીઈઓ અને મેનાજિંગ એડિટર, પદ્મભૂષણ કુંદનભાઈ
વ્યાસ આ અવસરે ખાસ ઉપસ્થિત રહેશે.
ફૂલછાબના
આ સમાજલક્ષી પ્રકલ્પને ગુજરાતના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ-શ્રેષ્ઠીઓ બાન લેબ્સના મૌલેશભાઈ
ઉકાણી, રવિ ફોર્જિંગના અમૃતલાલભાઈ ભારદિયા, રોલેક્સ રીંગના મનીષભાઈ માદેકા તથા જ્યોતિ
સીએનસીના પરાક્રમાસિંહ જાડેજાનો ઉમળકાભેર સહયોગ સાંપડયો છે.
એવોર્ડ
એનાયત કરવાની સાથે સાથે જેમને એવોર્ડ પ્રાપ્ત થયો છે તેમના જીવન અને કાર્ય વિશેની શોર્ટફિલ્મનું (જુઓ પાનું 10)
પણ
નિદર્શન સમારોહમાં કરાવવામાં આવશે જેનું નિર્દેશન કેયુર અંજારિયાએ કર્યું છે. કાર્યક્રમનું
સંચાલન ડો. નીતિન વડગામા કરશે.
વિવિધ
એવોર્ડ માટે આ વર્ષે 180થી વધારે અરજી-ભલામણ આવી હતી જેમાંથી ચયન સમિતિ દ્વારા પાંચ
વિશેષ વ્યક્તિને પસંદ કરાયા છે. આ ચયન સમિતિમાં પૂર્વ સચિવ, ગુજરાત રાજ્ય વી.એસ. ગઢવી,
પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ-સમાજસેવક મૌલેશભાઈ ઉકાણી, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના
કુલપતિ અર્જુનાસિંહ રાણા અને કૃષિ વિજ્ઞાની ડો. થોભણભાઈ ઢોલરિયાનો સમાવેશ થાય છે.
આ એવોર્ડ
સમારોહમાં નિમંત્રણ પત્રિકા વ્યવસ્થા માટે રખાઈ છે. સભાગૃહમાં જ્યાં સુધી જગ્યા હશે
ત્યાં સુધી સૌ કોઈને પ્રવેશ મળશે, રસ ધરાવતા સૌને કાર્યક્રમમાં પધારવા નિમંત્રણ છે.