આનંદ કે. વ્યાસ
નવી
દિલ્હી, તા. 5 : 18મી લોકસભાનું પહેલું શિયાળુ સત્ર 25મી નવેમ્બરથી શરૂ થશે એમ કેન્દ્રીય
સંસદીય કાર્યપ્રધાન કિરેન રિજિજુએ મંગળવારે જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ
મંજૂરી અપ્યા બાદ બંને સદનના શિયાળુ સત્રની સત્તાવાર જાહેરાત રિજિજુએ કરી હતી. મંગળવારે
પ્લૅટફૉર્મ એક્સ ઉપર રિજિજુએ જણાવ્યું હતું કે, શિયાળુ સત્ર 25મી નવેમ્બરથી 20મી ડિસેમ્બર
દરમિયાન યોજાશે. 26મી નવેમ્બર 2024ના દિવસે ભારતીય સંવિધાનનાં 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં
છે. આ વિશેષ દિને જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હૉલમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવાશે.
આ આયોજનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ
સામેલ થશે. લોકસભા અને રાજ્યસભા એમ બંને સદનના સાંસદો પણ કાર્યક્રમમાં ભાગ લેશે. આ
ઉપરાંત, આખા દેશમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમારોહનું આયોજન કરવામાં આવશે.
આ
પહેલું સત્ર હશે જે ચાર રાજ્યોનાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ યોજાઇ રહ્યું છે. પહેલીવાર
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાઇ હતી, હરિયાણામાં ભાજપની જીત બાદ બીજી ટર્મમાં સરકાર
આવી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ જશે. મહારાષ્ટ્રમાં
મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે સીધી સ્પર્ધા તો ઝારખંડમાં હેમંત સોરેન અને કૉંગ્રેસની
ઇન્ડિ ગઠબંધન વિરુદ્ધ ભાજપ વચ્ચે ટક્કર છે. આ બંને રાજ્યોનાં પરિણામો 23મી નવેમ્બરે
આવશે અને શિયાળુ સત્ર 25મી નવેમ્બરથી શરૂ થવાનું છે.
આ
શિયાળુ સત્ર દરમિયાન વન નેશન-વન ઇલેક્શન અને વકફ બિલ સહિત અનેક બિલ રજૂ થવાની શક્યતા
છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જાનો પ્રસ્તાવ પણ રજૂ થશે. હાલ વકફ બિલ
અંગે સંયુક્ત સંસદ સમિતિ અધ્યયન કરી રહી છે જેનો અહેવાલ સમિતિ સત્ર દરમિયાન 29મી નવેમ્બરે
રજૂ કરવાની છે. બીજી તરફ, માર્ચમાં વન નેશન-વન ઇલેક્શનના ખરડાને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
રામનાથ કોવિંદે મંજૂરી આપી હતી અને બંને સદનમાં તેને રજૂ કરીને પ્રસ્તાવ લાવવાનો માર્ગ
મોકળો કર્યો હતો. એક દેશ એક ચૂંટણી ઉપર હાલની સત્તારૂઢ કેન્દ્ર સરકારે ખૂબ જ ભાર મૂક્યો
છે. લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ જો સાથે યોજાય તો મોટા ભાગનો ચૂંટણી ખર્ચ
ઓછો થશે અને સરકારી તિજોરી પરનું તાણ હળવું થશે.
રિજિજુએ
જણાવ્યું હતું કે, વન નેશન-વન ઇલેક્શનની જ્યાં સુધી વાત છે એ અંગે કામ ચાલી રહ્યું
છે. લોકશાહી ધરાવતા ભારતમાં જો આ વાતની મંજૂરી મળે તો ભારત એક નવી ઊંચાઇ સર કરશે. કૉંગ્રેસ
તેમ જ અન્ય વિપક્ષે વન નેશન-વન ઇલેક્શનનો ભારે વિરોધ નોંધાવ્યો છે અને પ્રસ્તાવને રદ
કરવાની વાત જણાવી છે. વડા પ્રધાને આ મુદ્દે સંસદમાં વિપક્ષને મનાવવા ભારે જહેમત ઉઠાવવી
પડશે.