• બુધવાર, 13 મે, 2026

આજે કમલમ ખાતે અચાનક બેઠકથી રાજકીય ગરમાવો

સી.આર. પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગની ઉપસ્થિતિ : પ્રદેશ પ્રમુખની વરણી અને મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા થવાની અટકળો

અમદાવાદ, તા.11: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કદાચ પહેલી વાર આવતીકાલે ગાંધીનગર સ્થિત ભાજપના મુખ્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની બૃહદ બેઠક યોજાવાની છે. આ અચાનક બૃહદ બેઠકની જાહેરાત થતા રાજકીય વલયો સક્રિય બન્યા છે અને વિવિધ અટકળોને વેગ મળ્યો છે. બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા તથા મહાનગર પ્રમુખો-મહામંત્રી, તમામ મોરચાના પદાધિકારીઓ ઉપરાંત રાજ્યના તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજરી માટે આદેશ આપવામાં આવ્યો છે. આમ સમગ્ર સંસ્થાગત સંગઠનને એક મંચે ભેગું કરવા જઇ રહેલી આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.

આ અચાનક ગોઠવાયેલી બેઠકના પગલે ભાજપના કાર્યકરોમાં અનેક પ્રકારની તીવ્ર ચર્ચા શરૂ થઈ છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ હાજર રહેવાના હોવાથી ભાજપના પ્રદેશ પ્રમુખની વરણી અને મંત્રીમંડળના વિસ્તરણની બાબતે બેઠકમાં ચર્ચા થવાની અટકળોને વેગ મળ્યો છે.  બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગની ઉપસ્થિતિમાં સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા અને મહાનગર પ્રમુખો, મહામંત્રીઓ, મોરચાના પદાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાત ભાજપનું સંગઠન એક મંચે ભેગું થવા જઈ રહ્યું હોવાથી આ બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે. કેટલાક રાજકીય વિશ્લેષકો બેઠકને પાટીલના કાર્યકાળ સાથે બેઠકને જોઈ રહ્યા છે. તો કેટલાક મંત્રીમંડળના વિસ્તરણ સાથે જોડી રહ્યા છે. જો કે, ભાજપના સૂત્રોના કહેવા પ્રમાણે, અનૂસૂચિત વર્ગ માટેના કાર્યક્રમોની માહિતી આપવા તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા સંવિધાન દિવસ અને કાયદા વિશે જનજાગૃતિ અભિયાન માટે ચર્ચા કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સંવિધાન વિશે જાગૃતિ અને અધિકાર-હકની સમજણ માટે ભાજપે આ પ્રકારનો કાર્યક્રમ હાથ ધર્યો હોવાથી બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવનાર હોવાનું જણાવાયુ છે.  પરંતુ ભાજપના અંતરંગ સૂત્રો અનુસાર, આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારી કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓ,  સંગઠન, બુથ લેવલ મેનેજમેન્ટ અને યુવા વર્ગને પક્ષમાં જોડવાના અભિગમ અંગે પણ ચર્ચા કરાશે. જો કે, બેઠકના અચાનક આયોજન અને તમામ પદાધિકારીઓને ફરજિયાત હાજરીનો આદેશ મળતાં રાજકીય ચર્ચાએ વધુ જોર પકડ્યું છે ત્યારે આ બેઠક માત્ર કાર્યક્રમોની સમીક્ષા સુધી મર્યાદિત રહેશે કે પછી પક્ષમાં કોઈ મોટી રાજકીય ઉથલપાથલ થશે તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક