• બુધવાર, 13 મે, 2026

‘કર્મચારીઓ અને કલેક્ટરને 3 વાગ્યા સુધીમાં બહાર કાઢી લેજો, મોડું થશે તો જાનહાનીનું જોખમ’

            રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો         ઈ-મેઈલ મળ્યો

            પોલીસને જાણ કરાતા ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ કરાઈ પણ કંઈ શંકાસ્પદ વસ્તુ ન મળી

વડોદરા નવી કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાનો

            ઈ-મેઈલ મળ્યો

રાજકોટ, તા.11 : કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડદામ મચી ગઈ હતી. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને ઈમેલ મારફતે ધમકી મળતા તેઓએ તુરંત પોલીસ વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો તપાસ અર્થે કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જો કે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે જ્યારે જિલ્લા કલેક્ટરને મળેલા ઈમેલને લઇ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ મામલે રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર એ.કે.ગૌતમે જણાવ્યું હતું કે, આજે ઈમેલના માધ્યમથી એવી સૂચના આપવામાં આવી હતી કે, કલેક્ટર કચેરી અને તેના પ્રિમાઈસીસની અંદર સિક્યુરિટી થ્રેટસ છે. આ ઈમેલની જાણ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. જેથી કમિશનરની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એસઓજી દ્વારા કલેક્ટર કચેરીની તપાસ કરવામાં આવી હતી.  આ તપાસમાં કોઈ ડિટોનિટર્સ કે અન્ય કોઈ થ્રેટવાળી વસ્તુ મળી આવેલી નથી. આ અંગેનો ઈમેલ જે આઈડીથી આવ્યો હતો તેની તપાસ ચાલું છે.

પ્રથમ ઈમેલ અમને જ મળ્યો હતો. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

ઈ-મેઈલ કોણે કર્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે અત્યારે કલેક્ટર ઓફીસની અંદર કોઈને જવા દેવામાં આવ્યા નથી અને પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે. જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તમામ કચેરીઓ ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે અને અધિકારીઓ તથા કર્મચારીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે કચેરીની આસપાસની સુરક્ષા પણ વધારવામાં આવી છે.

વડોદરા: શહેરની સ્કુલ, કંપની બાદ હવે શહેરના જૂના પાદરા રોડ પર આવેલી નવી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઇ-મેઈલ મળ્યો છે. આ ઇ-મેઈલ ગઇકાલે મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ ગઇકાલે કચેરીમાં રજા હોવાથી ઇ-મેઈલ ચેક કરવામાં આવ્યો ન હતો. આજે ઇ-મેઈલ ચેક કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી સુરક્ષાના ભાગરૂપે વડોદરા શહેર પોલીસની તમામ સુરક્ષા એજન્સીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને સાથે આખી કચેરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. એક તબક્કે તો કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં બદલી થઇ હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક