કેન્દ્રીય દળો તૈનાત કરવાના હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્રએ 16 કંપની ઉતારી : તોડફોડ, વાહનોમાં આગ લગાડવા સહિતની ઘટનાઓ
નવી દિલ્હી, તા. 12 : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જીલ્લામાં વકફ કાયદાના વિરોધમાં ભડકેલી હિંસા વધારે ઉગ્ર બની હતી અને ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. હિંસક બનેલા પ્રદર્શનકારીઓએ ઘણા સ્થળોએ તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી. જેના પરિણામે બળપ્રયોગ કરવો પડયો હતો અને ધારા 163 લાગુ કરવામાં આવી હતી.આ ઉપરાંત ઈન્ટરનેટ ઉપર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન કોલકાતા હાઈકોર્ટે હિંસા પ્રભાવિત ક્ષેત્રમાં કેન્દ્રીય દળોની તૈનાતીનો આદેશ આપી દીધો છે. ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ કેન્દ્રીય દળોની તૈનાતીની માગ સાથે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેનો રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કેન્દ્રીય દળોની કોઈ જરૂરીયાત ન હોવાની દલીલ કરી હતી.
શનિવારે શમશેરગંજના જાફરાબાદ વિસ્તારમ હિંસક ભીડે વારંવાર છરીથી હુમલો કરીને પિતા અને પુત્રને મારી નાખ્યા હતા. આ પહેલા શુક્રવારે જુમાની નમાઝ બાદ હિંસા ભડકી હતી. સંવેદનશિલ વિસ્તારોમાં પોલીસ અને બીએસએફ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડીઓ અને એમ્બ્યુલન્સને નિશાન બનાવી હતી. મુર્શિદાબાદના સુચીમાં શુક્રવારે હિંસાની શરૂઆત થઈ હતી. શુક્રવારની નમાઝ બાદ વકફ કાયદા સામે હજારો લોકો સડક ઉપર ઉતરી ગયા હતા અને એનએચ-34 બ્લોક કરી દીધો હતો જ્યારે પોલીસે નેશનલ હાઈવે ઉપરથી અવરોધ હટાવવાની કોશિશ કરી ત્યારે પોલીસ સાથે ટકરાવો થયો હતો. 10 કિમી દૂર શમશેરગંજમાં પણ હાઈવે ઉપર હજારો લોકો એકત્રિત થયા હતા.
શમશેરગંજના ડાક બંગલા વળાંકે પ્રદર્શનકારીઓએ હિંસા શરૂ કરી હતી અને પોલીસના વાહનોમાં આગ ચાંપી હતી. પોલીસની એક આઉટપોસ્ટમાં તોડફોડ બાદ તેને આગના હવાલે કરી દીધી હતી. સડક ઉપર રહેલી દુકાનો અને ટુવ્હીલરોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
પ્રદર્શનકારીઓએ ધુલિયાન સ્ટેશન પાસે રેલવે ગેટ અને રિલે રૂમને નિશાન બનાવ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. ઘરમાં પણ આગ લગાડવાની કોશિશ કરવામાં આવી હતી. આ દરમિયાન રેલવે સ્ટાફ જેમતેમ કરીને પોતાનો જીવ બચાવીને બહાર આવ્યો હતો.માહિતી મળતા જ ભારે સંખ્યામાં પોલીસ અને સેન્ટ્રલ ફોર્સ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.