વોશિંગ્ટન, તા.1ર : દુનિયામાં ટેરિફ વોર છેડાયા બાદ વિવિધ દેશોની જવાબી કાર્યવાહીથી ચારેબાજુ ભીંસ વધતા નરમ પડેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને એલાન કર્યુ છે કે જાહેર કરવામાં આવેલો રેસિપ્રોકલ ટેરિફ સ્માર્ટફોન, લેપટોપ અને સેમી કંડક્ટર ચિપ્સ જેવા કેટલાક ટેકનીકલ ઉપકરણો પર નહીં લાગે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનથી આયાત થતી ચીજો પર 14પ ટકા ટેરિફ લાદ્યા બાદ અને અન્ય દેશોથી આવતાં સામાનમાં 10 ટકા બેસલાઈન ડયૂટી લાદ્યા બાદ આ રાહત જાહેર કરી છે. આ પગલું એપલ જેવી મોટી ટેક કંપનીઓ માટે મહત્વનું છે જે પોતાના મોટાભાગના ઉપકરણોનું ચીનમાં નિર્માણ અને એસેમ્બલ કરે છે.
રજિસ્ટર થાવ, નહીં તો ભોગવો !
વિદેશી નાગરિકોને ટ્રમ્પ પ્રશાસનની છેલ્લી ચેતવણી
વોશિંગ્ટન, તા.1ર : અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને દેશમાં રહેતા વિદેશીઓને 30 દિવસમાં સરકારી રેકોર્ડમાં રજિસ્ટર થવા ફરમાન કર્યુ છે. જે સમય મર્યાદા પુરી થવા આવતાં વ્હાઈટ હાઉસ તરફથી ચેતવણી અપાઈ છે કે જે કોઈ વિદેશી નાગરિક ખૂદને રજિસ્ટર નહીં કરાવે તેણે પરિણામ ભોગવવું પડશે. અમેરિકામાં વિદેશી નાગરિકો પર ટ્રમ્પ પ્રશાસનની સખતાઈ યથાવત છે.ગેરકાયદે પ્રવાસીઓનો દેશ નિકાલ કરવા ચાલી રહેલી ગતિવિધિ વચ્ચે હોમલેન્ડ સિકયોરિટી વિભાગના સચિવ ક્રિસ્ટી નોએમે 30 દિવસમાં વિદેશીઓને એલિયન રજિસ્ટ્રેશન એકટ હેઠળ ખૂદને રજિસ્ટર કરાવવા સૂચના આપી છે. 11 એપ્રિલ (સ્થાનિક સમય મુજબ) છેલ્લી તારીખ છે ત્યારે બાદ રજિસ્ટર નહીં થયેલા વિદેશીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે પણ આ પ્રકારની સૂચના જાહેર કરી છે. સરકાર એવી તમામ વિદેશી નાગરિકોનો ડેટા મેળવી (જુઓ પાનું 10)
રહી છે જે છેલ્લા 30 દિવસથી અમેરિકામાં છે. જો તેઓ પોતાને રજિસ્ટર નહીં કરાવે તો તેને કાનૂની રાહે ગુનો માનવામાં આવશે. તેની ધરપકડ થઈ શકે, દંડ ફટકારવામાં આવી શકે અને દેશ નિકાલ પણ કરાઈ શકે છે.