બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત ગુજરાતમાં કાલથી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે
અભિયાનની જવાબદારી સાંસદ વિનોદ ચાવડાને સોંપાઈ, કમિટીમાં ગૌતમ ગેડીયા, કમલેશ મીરાણી, અનિતા પરમાર અને વિક્રમ તરસાડીયાનો સમાવેશ કરાયો
અમદાવાદ, તા.12 : પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં આગામી બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેટલાક ધારાસભ્યો ગેરહાજર રહ્યાં હતાં. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનની રૂપરેખા તૈયાર કરવાનો અને કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવાનો હતો. આ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં 14થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને રાજ્યના નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે. ગુજરાતમાં આ સમગ્ર અભિયાનની જવાબદારી સાંસદ વિનોદ ચાવડાને સોંપવામાં આવી છે. વિનોદ ચાવડાની સાથે આ કમિટીમાં ગૌતમ ગેડીયા, કમલેશ મીરાણી, અનિતા પરમાર અને વિક્રમ તરસાડીયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે નિવેદન આપતા લાલાસિંહ આર્યએ કહ્યું હતું કે, ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ પાંચ લોકો નક્કી નથી કરતા. ટૂંક સમયમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. આ કાર્યશાળા બાબા સાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી. જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે બાબાસાહેબ આંબેડકરનું રાષ્ટ્રીય સ્મારક નહોતું બનાવ્યું.
આ બેઠકમાં યુસીસી, વન નેશન, વન ઇલેક્શન, વક્ફ બિલ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દાઓ લઈને જાગૃતિ લાવવા માટે ભાજપના લોકો વચ્ચે જઈ પોતાની વાત મૂકશે. આ ઉપરાંત આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત 14થી 24 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં ભાજપના લોકો આંબેડકરની વાતો લોકો સુધી પહોંચાડશે.