4 ક્ષેત્ર રશિયાને સોંપવા પ્રસ્તાવ
વોશિંગ્ટન
તા.13 : ત્રણ વર્ષથી રશિયા સામે ચાલી રહેલા યુદ્ધમાં બરબાદ થઈ ચૂકેલા યુક્રેનના હવે
ટૂકડાં કરવા મહાસત્તાઓ વચ્ચે ડીલના નામે તખ્તો તૈયાર થઈ રહ્યો છે જેનો પાયો અમેરિકાએ
નાખ્યો છે. અમેરિકા અને રશિયા વચ્ચે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા ચાલી રહેલી વાતચીતમાં
યુક્રેનના પ્રતિનિધિ કયાંય સામેલ નથી. તેવી સ્થિતિમાં બંન્ને મહાસત્તા વચ્ચે ચાલી રહેલી
વાતચીતના યુરોપમાં ઘેરા પડઘા પડયા છે.
યુક્રેન
મુદ્દે અમેરિકા અને રશિયા વચ્ચે વાટાઘાટ વચ્ચે ટ્રમ્પ પ્રશાસને ચોંકાવનારો પ્રસ્તાવ
તૈયાર કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિશેષ દૂતે યુક્રેનના કેટલાક મહત્વના ભાગને રશિયાને
હવાલે કરવાની તરફેણ કરી છે. યુક્રેનના મહત્વના ચાર ક્ષેત્ર રશિયાને ધરી દઈને આ યુદ્ધ સમાપ્ત
કરવાની દિશામાં પ્રયાસ ચાલી રહ્યા છે. તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાના
એક વિશેષ દૂતને અમેરિકા મોકલ્યા હતા. દરમિયાન તેમણે ટ્રમ્પ પ્રશાસન સાથે ડીનરમાં ભાગ
લીધો અને શાંતિ મંત્રણા પર વાતચીત કરી હતી.
આ ડીનરના
48 કલાકમાં જ સામે આવ્યુ કે અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ
ટ્રમ્પ સમક્ષ સીધી વાત રજૂ કરી છે કે પુર્વ યુક્રેનના 4 ભાગનો માલિકી હક રશિયાને સોંપી
દેવામાં આવે. યુદ્ધનો અંત લાવવાનો આ સૌથી ઝડપી રસ્તો હોવાનું તેમણે ટ્રમ્પને કહયું
હતું. તેમ છતાં ટ્રમ્પ સરકારમાં યુક્રેનના ટૂકડાં કરવા અંગે મતભેદ ઉભર્યા છે અને આવા
પ્રસ્તાવનો અન્યોએ વિરોધ કર્યો છે. કેટલાક આને રશિયાની વધુ પડતી માગ ગણાવે છે. અમેરિકી
દૂત વિટકોફ શુક્રવારે રાષ્ટ્રપતિ પુતિનને મળવા રશિયા ગયા હતા.
યુક્રેનમાં
ઉજવણી વચ્ચે રશિયાનો હુમલો : 30નાં મૃત્યુ
કીવ,
તા. 13 : યુક્રેનના ઉત્તર પૂર્વી શહેર સુમીમાં લોકો પામ સંડે ઉપર ચર્ચમાં એકત્રિત થયા
હતા અને ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન રશિયાએ હવાઈ બોમ્બમારો કર્યો હતો. રશિયાના
આ હુમલામાં ઓછામાં ઓછા 30 લોકોએ જીવ ગુમાવ્યો હતો. યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ
ભયાનક મિસાઈલ હુમલા મુદ્દે નિવેદન આપતા કહ્યું
હતું કે, પામ સંડે ઉપર જ્યારે લોકો ચર્ચ જાય છે ત્યારે લોકો ઉપર મિસાઈલ છોડવાનું કામ
કોઈ હેવાન જ કરી શકે છે. આ ઉપરાંત કીવમાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની કુસુમના ગોડાઉન
ઉપર પણ રશિયાએ મિસાઈલ હુમલો કર્યો હતો.
રશિયાની
સેનાએ સુમી શહેરના મધ્ય ક્ષેત્રને બેલેસ્ટીક મિસાઈલથી નિશાન બનાવ્યું હતું. જેમાં
30 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ઘણાને ઈજા પહોંચી હતી. આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે લોકો ચર્ચમાં એકત્રિત થયા હતા. હુમલો
નજરે જોનારા લોકોના કહેવા પ્રમાણે હુમલા બાદ શહેરમાં અફડાતફડી મચી હતી. ઈમારતો ધ્વસ્ત
થઈ હતી અને સડકો લોહીથી લાલ થઈ હતી. લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા હતા.
આ ઉપરાંત
કીવ તરફથી એક્સ ઉપર એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કીવમાં રહેલા ભારતીય ફાર્માસ્યુટીકલ
કંપનીના ગોડાઉન ઉપર રશિયાએ હુમલો કર્યો હતો. યુક્રેની દૂતાવાસે આરોપ મુક્યો હતો કે
ગોડાઉન ઉપર હુમલો જાણીજોઈને કરવામાં આવ્યો છે. ભારત સાથે મિત્રતાનો દાવો કરતું રશિયા
ભારતીય કારોબારને ટાર્ગેટ કરી રહ્યું છે અને બાળકો તેમજ વૃદ્ધો માટેની જરૂરી દવાઓને
નષ્ટ કરી રહ્યું છે.