• મંગળવાર, 29 એપ્રિલ, 2025

ગુજરાતમાંથી 445 પાકિસ્તાનીની થશે હકાલપટ્ટી

ભારત આવેલા પાકિસ્તાનીઓનું લિસ્ટ તૈયાર : અમદાવાદમાં સૌથી વધુ 82 પાકિસ્તાની, સૌરાષ્ટ્રમાં કુલ 142

અમદાવાદ, તા. 25 : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અને ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા અંગે લેવાયેલા કડક નિર્ણયોના પગલે, ગુજરાત રાજ્યમાં ઉપસ્થિત પાકિસ્તાની નાગરિકો અંગેની વિગતો સામે આવી છે. રાજ્યમાં વિવિધ વિઝા પર રહેલા પાકિસ્તાની નાગરિકોની સંખ્યા અને તેમના સ્થાન અંગે માહિતી પ્રાપ્ત થઈ છે અને વિઝિટર વિઝા પર આવેલા નાગરિકોને પરત મોકલવાની કવાયત પણ તેજ શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાંથી કુલ 142 પાકિસ્તાનીઓની હકાલપટ્ટી થશે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા ધરાવતા કુલ 438 પાકિસ્તાની નાગરિકો મળી આવ્યા છે જ્યારે શોર્ટ ટર્મ વિઝા પર ગુજરાતમાં કુલ 7 પાકિસ્તાની નાગરિકો ઉપસ્થિત છે. શોર્ટ ટર્મ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોમાં 5 નાગરિક અમદાવાદમાં છે, જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 નાગરિક મળી આવ્યા છે.  લોંગ  ટર્મ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોની વાત કરીએ તો, સૌથી વધુ સંખ્યા અમદાવાદ શહેરમાં 77 પાકિસ્તાની નાગરિકો છે. આ ઉપરાંત સુરતમાં 44 અને કચ્છમાં 53 પાકિસ્તાની નાગરિકો લોંગ ટર્મ વિઝા પર મળી આવ્યા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ બાકીના લોંગ ટર્મ વિઝા ધારકો ઉપસ્થિત હોઈ શકે છે.ઉપરાંત ગાંધીનગર શહેરમાં કલોલ, માણસા, દહેગામમાં 29 પાકિસ્તાની હોવાની વાત સામે આવી છે. 

પહેલગામ હુમલા બાદ અને ભારત સરકારના કડક વલણને ધ્યાનમાં રાખીને, ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા કેટલાક પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવા નાગરિકોને અટારી બોર્ડર મારફતે પાકિસ્તાન પરત મોકલવામાં આવી રહ્યા છે.

કાર્યવાહીના ભાગરૂપે, ભરૂચમાં શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર રોકાયેલા એક પાકિસ્તાની નાગરિક શહીદા બીબીને પણ ભરૂચથી અટારી બોર્ડર ખાતે મોકલી આપી પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે. ગુજરાતમાં પાકિસ્તાની નાગરિકોની ઉપસ્થિતિ અંગેની આ વિગતો રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. હાલના તણાવપૂર્ણ માહોલ વચ્ચે, રાજ્ય સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોની મુવમેન્ટ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકારના આદેશ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનીઓને શોધીને પરત મોકલો : શાહે મુખ્યમંત્રીઓને આપ્યા નિર્દેશ

નવી દિલ્હી, તા. 25 : ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરીને કહ્યું છે કે રાજ્યોમાંથી પાકિસ્તાની લોકોને શોધી શોધીને પરત મોકલી દેવામાં આવે. ગૃહમંત્રીએ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્દેશો આપ્યા હતા.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ પાકિસ્તાન સંબંધિત તમામ વિઝા રદ કરી દીધા હતા.  પર્યટકો ઉપર આતંકી હુમલા બાદ ભારત સરકારી આકરી કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન વર્તમાન સમયે ભારતમાં રહેલા પાકિસ્તાનીઓને પરત મોકલવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ જ ક્રમમાં કેન્દ્ર સરકાર અને યુપી ડીજીપીના નિર્દેશ બાદ પોલીસ પાકિસ્તાની નાગરિકોને શોધી રહી છે. એક અહેવાલ અનુસાર યુપીમાં 1000 પાકિસ્તાની નાગરીક રહે છે. જે વીઝા ઉપર આવ્યા હતા પણ વિઝા પૂરા થવા છતાં પણ પરત ફર્યા નથી. જો કે હવે આવા તમામ લોકોને પરત મોકલી દેવાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક