વેપારીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવીને આતંકવાદીઓના ખાત્માની કરી માગ
રાજકોટ,
તા.25 : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓની ક્રુરતામાં પ્રવાસીઓ સહિત 27 માસુમ લોકોના
જીવ ગયા છે. આ ઘટનાનો દેશ-વિદેશમાં વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ
ઠેર ઠેર દેખાવો થઈ રહ્યાં છે ત્યારે આજે મોરબી, મોડાસા અને ગઢડા સ્વયંભુ સજ્જડ બંધ
રહ્યાં હતા અને આતંકવાદના ખાત્માની માગ કરાઈ છે.
મોરબીમાં
વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, હિન્દુ વાહીની સહિત સંગઠનોએ આપેલા બંધના એલાનને પગલે
આજે સવારથી મોરબીના કરિયાણા-તેલ મરચન્ટ સહિતના એસોસિએશન, વેપારીઓ જોડાતા સ્વયંભુ સજ્જડ
બંધ રહ્યું હતુ. શનાળા રોડથી મૌન રેલી યોજાઈ હતી અને નહેરુ ગેઈટ ચોકમાં આતંકવાદના પૂતળાનું
દહન કર્યુ હતું. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. જેમાં સંતો-મહંતો પણ જોડાયા
હતા. આ સમયે વિધર્મીઓ પાસેથી કોઈ ચીજવસ્તુઓ ન ખરીદવા પ્રતિજ્ઞા લેવા આહવાન કરાયું હતુ.
મૌન રેલીમાં ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ, કોંગ્રેસ પ્રમુખ, મોરબી
જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ભાજપ-કોંગ્રેસના રાજકીય આગેવાનો અને હિન્દુ સંગઠનોના આગેવાનો
જોડાયા હતા.
અરવલ્લી
જિલ્લાના મોડાસા, મેઘરજ, બાયડ, માલપુર, ભિલોડા, ધનસુરા સહિતના તાલુકાઓમાં બજારો સજ્જડ
બંધ રહી હતી. લારી ગલ્લાથી લઈને મોટી દુકાનો સ્વયંભુ બંધ રહી હતી. આ સાથે આતંકવાદીઓનો
ખાત્મો કરવા બુલંદ માગ ઉઠી હતી. મોડાસામાં માર્કેટ યાર્ડ સહિતના વેપારીઓ, સૂકા બજાર,
બસપોર્ટ સહિતના વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતા. વેપારી એસોસિએશને બંધ પાડીને આતંકવાદી
વિરોધી સુત્રોચ્ચાર કરીને આક્રોશ ઠાલવ્યો હતો. માલપુરમાં સનાતની સેના દ્વારા ગદ્દારો
સામે ભારે રોષ ઠાલવીને કડક પગલા લેવાની માગ કરી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
હતી. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યોએ પણ ખાનગી હોસ્પિટલો બંધ રાખીને શનાળા રોડ પર
સરદાર પટેલની પ્રતિમાથી મૌન રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો.
ગઢડા
શહેરના ઝાંપે મોટી સંખ્યામાં લોકો તેમજ વિહિપ અને વેપારી એસોસિએશને મૃતકોને શ્રદ્ધાંજલિ
પાઠવી હતી. શહેરના વેપારીઓએ સવારે 10:30 વાગ્યા સુધી સ્વયંભુ દુકાન, ધંધા-વેપાર બંધ
રાખીને રોષની લાગણી વ્યક્ત કરી હતી. આ સમયે સાધુ-સંતો, રાજકીય-સામાજિક આગેવાનો, વેપારીઓ
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠામાં
સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, મોડાસા-ભિલોડામાં
વિવિધ સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાતાં પોલીસ તંત્ર ઍલર્ટ કરાયું હતું. સાબરકાંઠામાં
સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને
તલોદ સહિતના શહેરોમાં વહેલી સવારથી બજારો બંધ જોવા મળ્યા હતા. ગઇકાલે ગુરુવારે ઇડરના
તમામ વેપારી અને લારી ગલ્લા એસોસિયેશને સજ્જડ બંધ પાડી આતંકીઓ સામે આકરા પગલાં લેવા
માગ કરી હતી. શહેરમાં મેડિકલ જેવી આવશક્ય સેવા સિવાયના તમામ ધંધા રોજગાર્થીઓ સ્વંયભુ
બંધમાં જોડાયા હતા. આ બંધ વચ્ચે માત્ર આરોગ્ય સેવા જેવી આવશક્ય સેવાઓ ચાલુ રાખવામાં
આવી હતી. દરમિયાન ઇડરના દરામલી ગામે પણ આતંકી ઘટનાના વિરોધમાં બંધ પાળ્યો હતો.
--------
અમદાવાદ-કચ્છમાં
જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી આતંકવાદનો વિરોધ કર્યો
અમદાવાદ,
ગાંધીધામ, તા.25 : અમદાવાદમાં શુક્રવારની નમાઝમાં મુસ્લિમોએ હાથમાં કાળી પટ્ટી બાંધીને
નમાઝ પઢી આતંકવાદ વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં
ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ સહિતના નેતાઓની હાજરીમાં જ મુસ્લિમોએ હાથમાં કાળી
પટ્ટીઓ બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન તેમણે આતંકવાદને વખોડી કાઢ્યો
હતો. કચ્છના મુસ્લીમ સમાજે પણ આજે કાળીપટ્ટી બાંધીને નમાજ પઢી હતી અને આતંકવાદ સામે
વિરોધ નોંધાવ્યો હતો. કચ્છ જિલ્લા મુસ્લીમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાએ આ હુમલાને
કાયરતા ગણાવી હતી.