• સોમવાર, 27 મે, 2024

સંસદનું અધિવેશન નાનું પરંતુ ઐતિહાસિક બની રહેશે : વડા પ્રધાન સૌની નજર આજે આવનારા ખરડાઓ પર

આનંદ કે. વ્યાસ 

નવી દિલ્હી, તા. 18 : અંગ્રેજોની ગુલામીથી લઈને આધુનિક ભારતની અમૃતયાત્રાનાં સાક્ષી રહેલું જૂનું સંસદ ભવન આવતીકાલથી ઈતિહાસનાં પાનામાં સરકી જશે. આવતીકાલે ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવનમાં કામગીરીના શ્રીગણેશ સાથે નવા ઈતિહાસનું આલેખન શરૂ થઈ જશે. સંસદનાં વિશેષ સત્રનો આજનો પ્રથમ દિવસ જૂની સંસદમાં યોજાયો હતો અને તે અત્યાર સુધી ભારતની અદ્વિતીય ઓળખ બની રહેલી આ ભવ્ય ઈમારતનાં નામે જ આજનો દિવસ બની રહ્યો હતો. આજનો આ દિવસ જૂની સંસદની ઈમારતને વિદાયમાન આપતો બની ગયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજથી શરૂ થયેલું સંસદનું વિશેષ અધિવેશન  ભલે નાનું છે, પરંતુ સમયની દૃષ્ટિએ બહુ મોટું હશે, આ સત્ર ઐતિહાસિક નિર્ણયોનું સત્ર હશે.

સંસદના વિશેષ અધિવેશન પહેલાં આપેલા નિવેદનમાં  મોદીએ ચંદ્રયાનના ચંદ્ર પર ઊતરાણ અને જી20 શિખર સંમેલનને દેશની મોટી સફળતા ગણાવી. તેમણે કહ્યું કે જીએસએલવી એમકે

થ્રી-એમ વનની અભૂતપૂર્વ સફળતા ભારતની વૈવિધ્યતાની ઉજવણી છે. જી20ની અભૂતપૂર્વ સફળતા અને સર્વસંમતિએ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ આપ્યો છે.

તેમણે કહ્યું કે આ સત્રની એક ખાસ વાત એ છે કે દેશની સ્વતંત્રતા બાદ 75 વર્ષની યાત્રા હવે નવા સંસદ ભવનમાં નવેસરથી શરૂ થઈ રહી છે. આખા દેશમાં ઉત્સાહનો માહોલ અને નવો આત્મવિશ્વાસ જોવા મળે છે. સત્રનો સમયગાળો ભલે નાનો હોય, પરંતુ સમયની દૃષ્ટિથી એ મહત્ત્વપૂર્ણ છે, ઐતિહાસિક નિર્ણયોનું આ સત્ર છે. નવી જગ્યાએથી નવી ઊર્જા, નવો વિશ્વાસ આવે છે. આપણું લક્ષ્ય 2047 સુધીમાં દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે.

વડા પ્રધાને સંસદસભ્યોને આ સત્રનો મહત્તમ લાભ ઉઠાવવાનો આગ્રહ કરતાં કહ્યું કે, હું તમામ સંસદસભ્યોને વિનંતિ કરું છું કે તેઓ પોતાના સમયનો સદુપયોગ કરે. ચાલો, આપણે ઉત્સાહ અને ઉમંગના માહોલમાં મળીએ. ફરિયાદ અને આલોચનામાં ઘણો સમય જાય છે. જીવનમાં કેટલીક પળ એવી આવે છે જે તમને ઉત્સાહથી ભરી દે છે. હું આ સત્રને એ જ દૃષ્ટિથી નિહાળું છું. આ સત્ર નાનું છે, પરંતુ ઘણું મહત્ત્વનું છે. આવતી કાલે ગણેશચતુર્થી છે. ગણેશજી વિઘ્નહર્તા છે. નવા સંસદ ભવનના શ્રીગણેશ થશે અને ભારતની વિકાસયાત્રામાં કોઈ અવરોધ નહીં આવે, એવું વડા પ્રધાને કહ્યું.

જૂનું સંસદ ભવન આવનારી પેઢીને પ્રેરણા આપશે : વડા પ્રધાન

હાલના સંસદ ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે, નવી દિલ્હીમાં આયોજિત જી20 શિખર સંમેલનની સફળતાનું શ્રેય 140 કરોડ ભારતીયોને આપતાં કહ્યું કે જી20ની સફળતા 140 કરોડ ભારતીયોની સફળતા છે. એ કોઈ વ્યક્તિ અથવા પાર્ટીની સફળતા નથી, એ ભારતની સફળતા છે. સંસદનું પાંચ દિવસનું વિશેષ અધિવેશન બોલાવવામાં આવ્યું છે. સોમવારથી આ વિશેષ અધિવેશનની  શરૂઆત હાલના સંસદ ભવનમાં થઈ જેમાં દેશની સંસદીય યાત્રાની ચર્ચા કરવામાં આવી.

લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સાથે થઈ. સંસદનાં બંને સદનમાં 75 વર્ષની સંસદીય યાત્રા પર ચર્ચા થઈ. કેન્દ્ર સરકારે પાંચ દિવસના આ અધિવેશનનો એજન્ડા પહેલાંથી જાહેર કરી દીધો છે જેમાં ચાર ખરડા રજૂ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે.

વડા પ્રધાને લોકસભાને સંબોધિત કરતાં દેશની 75 વર્ષની સંસદીય યાત્રા યાદ કરતાં કહ્યું કે નવા સદનમાં જવા પહેલાં પ્રેરક ઈતિહાસની મહત્ત્વપૂર્ણ પળોને યાદ કરીને આગળ વધવાનો આ અવસર છે. આપણે હવે આ ઐતિહાસિક ભવનમાંથી વિદાય લઈ રહ્યા છીએ. સ્વતંત્રતા પહેલાં આ ભવન ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ હતું. આઝાદી પછી એને સંસદ ભવન તરીકેની ઓળખ મળી. તેમણે હ્યું કે એ સાચું છે કે આ ઈમારતના નિર્માણનો નિર્ણય વિદેશી શાસકોએ લીધો હતો, પરંતુ આપણે એ વાત ક્યારેય ભૂલવી નહીં જોઈએ કે આ ભવનના નિર્માણમાં પરિશ્રમ, પરસેવો અને પૈસા મારા દેશવાસીઓએ લગાડયા હતા. આપણે ભલે નવા ભવનમાં આવ્યા, પરંતુ આ જૂનું સંસદ ભવન આવનારી પેઢીઓને હંમેશાં પ્રેરણા આપતું રહેશે.

ચંદ્રયાન-3 મિશન : વડા પ્રધાને ચંદ્રયાન-3 અભિયાનની સફળતા વિશે જણાવ્યું કે, ચંદ્રયાન-3ની સફળતાથી સંપૂર્ણ દેશ અભિભૂત છે. એની સાથે ભારતના સામર્થ્યનું આધુનિકતા અને વિજ્ઞાન સાથે જોડાયેલું એક નવું રૂપ અને આપણા વિજ્ઞાનીઓ તથા 140 કરોડ દેશવાસીઓની સંકલ્પ શક્તિ જોડાયેલા છે. એ દેશ અને દુનિયા પર નવો પ્રભાવ પાડશે.

જી-20ની સફળતા : જી20 શિખર સંમેલનની સફળતાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ સંમેલનની સફળતા કોઈ વ્યક્તિ અથવા પાર્ટીની નથી, પરંતુ 140 કરોડ ભારતીયોની સફળતા છે. ભારત એ વાત પર ગર્વ કરશે કે એની અધ્યક્ષતા દરમિયાન આફ્રિકન યુનિયન જી20નું સ્થાયી સભ્ય બન્યું. આપણા બધા માટે એ ગર્વની વાત છે કે આજે ભારત ‘િવશ્વમિત્ર’ તરીકે પોતાનું સ્થાન બનાવી શક્યું છે. આજે આખું વિશ્વ, ભારતમાં પોતાનો મિત્ર શોધી રહ્યું છે, ભારતની મિત્રતાનો અનુભવ કરી રહ્યું છે.

લોકશાહીની શક્તિ : આ સદનની વિદાય લેવી એ બહુ લાગણીશીલ પળો છે, એવું કહેતાં તેમણે ઉમેર્યું કે આપણે આ સદનની વિદાય લઈ રહ્યા છે ત્યારે આપણું મન અનેક લાગણીઓ અને સ્મૃતિઓથી છલકાઈ ઊઠયું છે. તેમણે કહ્યું કે તેઓ પહેલીવાર એક સાંસદ તરીકે આ ભવનમાં આવ્યા ત્યારે સહજ રીતે આ સદનના દ્વાર પર પોતાનું માથું નમાવીને લોકશાહીના આ મંદિરને શ્રદ્ધાથી નમન ર્ક્યા હતા. આ પળો તેમના માટે લાગણીશીલ હતી, એવું તેમણે ઉમેર્યું.

વડા પ્રધાને કહ્યું કે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી, પરંતુ એ ભારતની લોકશાહીની તાકાત છે કે રેલવે પ્લૅટફૉર્મ પર ગુજરાન કરતો એક ગરીબ પરિવારનો છોકરો પાર્લામેન્ટમાં પહોંચી ગયો.

 મહિલા સાંસદોનું યોગદાન : તેમણે મહિલા સાંસદોના યોગદાનને યાદ કરતાં કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 7500થી વધુ જનપ્રતિનિધિઓએ બંને સદનમાં પોતાનું યોગદાન આપ્યું છે જેમાંથી લગભગ 600 મહિલા સાંસદોએ બંને સદનની ગરિમા વધારી છે.

સંસદ પર આતંકવાદી હુમલાનો ઉલ્લેખ : વડા પ્રધાને સંસદ ભવન પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ ર્ક્યો. તેમણે કહ્યું કે આતંકવાદીઓ સાથે લડતાં લડતાં સદન અને સદનના સભ્યોને બચાવવા માટે જેમણે પોતાની છાતી પર ગોળીઓ ઝીલી, આજે તેમને પણ હું નમન કરું છું. તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે મોટું રક્ષણ ર્ક્યું છે. તેમણે કહ્યું કે હું આ અવસરે એ પત્રકાર મિત્રોને પણ યાદ કરવા માગું છું જેમણે આખું જીવન સંસદના કાર્યનું રિપોર્ટિંગ ર્ક્યું.

ભૂતપૂર્વ વડા પ્રધાનોનો ઉલ્લેખ : વડા પ્રધાને કહ્યું કે પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં દેશની પહેલી સરકારે ઔદ્યોગિકીકરણ પર ભાર મૂક્યો. જવાહરલાલ નહેરુના ‘સ્ટ્રોક અૉફ મિડનાઈટ’ ભાષણની ગૂંજ આપણને પ્રેરિત કરશે. લાલ બહાદુર શાસ્રીની સરકાર હરિયાળી ક્રાંતિ લઈ આવી. ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્રીએ આ જ ભવનમાં 1965ના યુદ્ધમાં સૈનિકોનો ઉત્સાહ વધાર્યો. આ જ સંસદ ભવને ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં બાંગ્લાદેશની મુક્તિનું આંદોલન અને એનું સમર્થન ર્ક્યું હતું. આ સદને કટોકટી વખતે લોકશાહી પર થતો હુમલો પણ જોયો હતો અને આ જ સદને ભારતના લોકોની તાકાતનો અનુભવ કરાવી લોકશાહી પાછી આવતી પણ જોઈ છે. નરસિંહ રાવની સરકારનો ઉલ્લેખ કરતાં તેમણે હ્યું કે એમની સરકારે જૂની નીતિઓ છોડીને નવી આર્થિક નીતિ અપનાવી. એને કારણે દેશ એક મોટા આર્થિક સંકટથી બચી ગયો. એમની નીતિઓનો લાભ હજી પણ મળી રહ્યો છે. આ જ સદનમાં અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે સરકાર આવશે અને જશે, પરંતુ આ દેશ રહેશે.

વડા પ્રધાને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ વડા પ્રધાનોને શ્રદ્ધાંજલિ આપી કહ્યું કે આ સંસદને રાજેન્દ્ર પ્રસાદથી માંડીને રામનાથ કોવિંદ અને દ્રૌપદી મુર્મુનું માર્ગદર્શન મળ્યું છે. સ્વતંત્રતા બાદ ઘણાં આલોચકોએ વિચાર્યું હતું કે ભારત એક નહીં રહે, પરંતુ આપણે એ બધાંને ખોટા પાડયા છે... લોકોનો સંસદ પર વિશ્વાસ યથાવત્ છે.

આર્ટિકલ 370 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ‘ઐતિહાસિક નિર્ણયો’ની પ્રશંસા કરી જેમાં આર્ટિકલ 370 વિશે તેમની સરકારનું વિવાદાસ્પદ પગલું, જીએસટી અને ‘વન રૅન્ક-વન પેન્શન’ ખરડાનો પણ સમાવેશ થાય છે.

વડા પ્રધાને પોતાના દીર્ઘ વકતવ્યમાં વિપક્ષો પર પ્રહાર પણ ર્ક્યા જેમાં મનમોહન સિંહ સરકાર વખતે ‘વોટના બદલામાં રોકડ’ કૌભાંડ વિશેની ટિપ્પણીનો પણ સમાવેશ થાય છે. તેમણે 2001ના આતંકવાદી હુમલા સહિત સંસદની જૂની ઈમારત સાથે સંકળાયેલી કેટલીક કડવી-મીઠી સ્મૃતિઓ પણ યાદ કરી. તેમણે કહ્યું કે અમારી વચ્ચે મતભેદ અને વિવાદ હતા, પરંતુ અમે ‘પરિવારભાવ’ જોયો.

 

ઇ-પેપરના નવા શુલ્ક