• શનિવાર, 27 જુલાઈ, 2024

વિસાવદરમાં આભ ફાટયું: 8 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ

     વિસાવદરના આંબાજળ અને રાફડ ડેમના પાટિયા બે ફૂટ ખોલાયા

     મુંજિયાસર, કમલેશ્વર ડેમ ઓવરફલો, સાંતલડી અને હિરણ નદીમાં પૂર

     મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાકોને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર

રાજકોટ, તા.18: ચોમાસાની ધમાકેદાર શરૂઆત બાદ છેલ્લા દોઢ મહિનાથી મેઘરાજા નારાજ થયા હોય એમ વરસાદ વરસ્યો ન હતો. વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતાનાં વાદળો જોવા મળી રહયાં હતાં ત્યારે દોઢેક માસના વાયરા બાદ એકાએક ગત મોડી રાતથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર ઉતરી છે. એમાં પણ વિસાવદરમાં ધોધમાર સ્વરૂપે બાર ઇંચ, વંથલીમાં નવ ઇંચ, ગિરનાર અને મેંદરડામાં આઠ ઇંચ, જૂનાગઢમાં પાંચ ઇંચ તથા જિલ્લાના અન્યત્ર સ્થળોએ બેથી ચાર ઇંચ પાણી પડતા લોકમાતાઓ ગાંડીતૂર બની હતી. ફરી સોરઠ પંથકને મેઘરાજાએ ધમરોળતા ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. નાચણાવાળા વિસ્તારોમાં આવેલી દુકાનો અને ઘરમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી તેમજ ખેતરો પાણીથી તરબોળ થયાં હતાં. વિસાવદર પંથકમાં વરસાદથી ઘેડ પંથકની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સોરઠની સૌથી વિશાળ ઓઝત નદી બે કાંઠે વહી રહી છે. ઓઝત નદીમાં ભારે પૂર આવ્યું છે. ઉપરાંત અમરેલીમાં પણ જોરદાર વરસાદ પડયો છે. રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાકોને રાહત મળતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.

રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારથી સૂર્યનારાયણ વાદળો વચ્ચે છુપાયા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. બપોરના સમયે રેસકોર્સ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, એરપોર્ટ રોડ તેમજ ફૂલછાબ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. જેને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં અને વાતાવરણમાં ઠંડક ફરી વળી હતી. આજે આખો દિવસ ધીમી ધારે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

વિસાવદર: સૌરાષ્ટ્રમાં એક માસ વિરામ બાદ મેઘરાજાનાં આગમન સાથે    જાણે વિસાવદરમાં આભ ફાટ્યું હોય તેમ એક જ દિવસમાં 12 ઇંચ વરસાદથી નદી, નાળા છલકાયા હતા જ્યારે વિસાવદર આંબાજર ડેમ, ત્રાફર ડેમ અને ઝાંઝરી ડેમમાં પણ નવા નીર આવ્યાં હતાં ત્યારે આંબાજળ અને રાફડ ડેમનાં પાટિયા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યાં હતાં તેમજ નિચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાનું જણાવવામાં આવ્યું હતું. વિસાવદર શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાનું રુદ્રરૂપ દેખાઈ રહ્યું હતું ત્યારે માત્ર થોડીક કલાકોમાં જ ચાર ઇંચ વરસાદથી પાણી નદીઓ અને શહેરના મુખ્ય માર્ગોમાં પર વહેવા લાગ્યું હતું. જીવાપર વિસ્તારમાં આવેલા પોપટડી નદીના પુલ પર પાણી ફરી વળ્યાં હતાં. જેનાં કારણે ત્યાંથી પસાર થતો વાહન વ્યવહાર થોડી કલાકો માટે થંભી ગયો હતો.

જૂનાગઢ: છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં મેઘાવી માહોલ વચ્ચે અસહ્ય ઉકળાટથી જનજીવન ત્રાહિમામ પોકારી ગયું હતું અને વરસાદની સર્વત્ર ચાતક નજરે રાહ જોવાઈ રહી હતી. ગિરનાર પર્વતમાં આઠ ઇંચ પાણી પડતા દામોદરકુંડ, કાળવો તથા સોનરખ બે કાંઠે વહી હતી. જૂનાગઢમાં ધોધમાર સ્વરૂપે પાંચ ઇંચ પાણી પડતા માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એકાદ ડઝન સ્થળોએ પાણી ભરાવાની ફરિયાદ ઉઠી હતી. ભૂતકાળમાંથી શીખ મેળવી સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, કિરીટ ભીંભા અધિકારીઓ સાથે કાળવા કાંઠા વિસ્તારની મુલાકાત લઈ નરસિંહ સરોવરમાં પાણી ભરવાના દરવાજા બંધ રખાયા હતા તે ખોલાવાયા હતા. ઉબડ ખાબડ રસ્તાઓમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઝાંઝરડા તથા ફાર્મસી અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત ભેસાણ ચાર ઇંચ ભાદરવામાં ભરપૂર વરસાદથી વિસાનોમાં આનંદ છવાઈ ગયો છે. ભારે વરસાદથી જૂનાગઢ, ધંધુસર, રવની છત્રાસા રોડ તથા વિસાવદર, ધારી બાયપાસ રોડ બંધ થયા છે.

ગઢડા: ગઢડા(સ્વામીના) શહેર અને પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો થતા વાદળો ગોરંભાયેલા છે. દિવસ દરમિયાન સતત વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વહેલી સવારથી દિવસ દરમિયાન સતત ઝરમર વરસાદ શરૂ રહયો હતો. આ વરસાદના પગલે કૃષિ ક્ષેત્રે લાભ અને નુકસાન બન્ને ભીતિ સેવાઈ રહી છે.

માળિયા હાટીના: બે દિવસના વાદળિયા વાતરણ બાદ આજે સવારથી જ વરસાદ શરૂ થયો હતો. બપોરથી ભારે વરસાદ વરસાત 84 મી.મી. એટલે કે  સાડા ત્રણ ઇંચ પાણી પડયું હતું.

કોડિનાર: શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની વાતાવરણ વચ્ચે બપોરબાદ સારો વરસાદ વરસતા આજે દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

તળાજા: આજે બપોર બાદ મોડી સાંજ સુધીમાં સમયાંતરે ઝરમર વરસાદ વરસ્યો હતો.

જામકંડરોણા: આજે સાંજ સુધીમાં ધીમીધારે ઝાપટારૂપે 18 મીમી વરસાદ નોંધાયો છે.

મેંદરડા: આજે વહેલી સવારથી સાંજ સુધીમાં મેંદરડા પંથકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેનાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ડોળાસા: લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું પુન: આગમન થયું હતું અને બપોરના એક વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ પડી જતા ખેડૂતોમાં રાહતની લાગણી છવાઈ છે.

બાબરા: બાબરા પંથકમાં છેલ્લા એક માસથી તડકા અને ગરમી વચ્ચે આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી પાડતા સવા ઈંચ જેટલું વરસાદી પાણી વરસ્યું હતું. આજે બપોર બાદ 31 મીમી વરસાદથી પાકનું ચિત્ર બદલાયું છે. એકંદરે વરસાદથી મોટી રાહત વર્તાય છે અને સર્વત્ર ઠંડક પ્રસરી છે.

તાલાલા ગિર: લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી મેઘરાજાનું પુન: ધમાકેદાર આગમન થયું હતું. દિવસ દરમિયાન તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા અવિરત વરસ્યાં હતાં. આ દરમિયાન ત્રણ ઈંચ વરસાદ થયો હતો. આજના વરસાદથી તાલાલા પંથકના મોટાભાગનાં નદી, નાળામાં નવાં નીર વહેતાં થઈ ગયાં હતા. કમલેશ્વર ડેમ ઉપર આજે 5.5 ઈંચ વરસાદ પડયો છે. ડેમમાં ભારે વરસાદ પડતાં ડેમ ઓવરફ્લો થયો છે. ગિરનાં જંગલ સહિત ઉપરવાસમાં ભારે વરસાદ તથા કમલેશ્વર ડેમ ઓવરફ્લો થતાં શહેરમાંથી પસાર થતી હિરણ નદીમાં પૂર આવ્યું હતું.

બગસરા: મોટાં મુંજિયાસર, માણેકવાડા, નવી જૂની હલીયાદ સહિતનાં આજુબાજુનાં ગામોમાં સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બગસરામાં 105 એમએમ એટલે કે 4.25 ઇંચ જટેલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. ભારે વરસાદનાં કારણે મુંજિયાસર ડેમ ઓવરફલો થયો છે.

જામનગર: આજે લાંબા સમય બાદ લાલપુરમાં બે, જામજોધપુરમાં પોણા બે, કાલાવડમાં દોઢ, જામનગરમાં એક ઇંચ તેમજ ધ્રોલ અને જોડિયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉપલેટા: ગત રાત્રીથી તાલુકાના મોટી પેનાલી ગામે વરસાદ શરુ થયો હતો અને એક ઇંચ જેટલો નોંધાયો હતો. તથા કોલકી અને ભાયાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉમરાળા:  આજે સવારના 11 વાગ્યાથી સરવડાં વરસવા શરૂ થયાં છે અને સાંજના છ વાગ્યા સુધીમાં 30 મી.મી. વરસાદ નોંધાયો છે.

પ્રાચી: યાત્રાધામ પ્રાચી તીર્થ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં  લાંબા સમયના વિરામબાદ મેઘરાજા ધીમીધારે આખો દિવસ વરસાદ વરસ્યો હતો.

ગોંડલ: દિવસભર મેંઘાડંબરના માહોલ વચ્ચે હળવા ભારે ઝાપટા વરસતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આજુબાજુના ગામડાઓમાં પણ હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

પોરબંદર: આજે દિવસભર વરસાદી વાતાવરણ યથાવત્ રહ્યું હતું. જેમાં પોરબંદર તાલુકામાં 1, રાણાવાવ તાલુકમાં 1.5 અને કુતિયાણા તાલુકામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે.

ભાવનગર: છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ ઊભો થયો છે. આજે સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો અને શહેર તથા જિલ્લાભરમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જિલ્લાના ઉમરાળા અને મહુવામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે જ્યારે શિહોરમાં એક ઇંચ જેટલો અને વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

અમરેલી: જિલ્લામાં આજે સર્વત્ર સચરાચર અડધાથી સવા ચાર ઇંચ વરસાદના આગમનથી હરખની હેલી છવાઇ હતી. મુરઝાતી મોલાતને યોગ્ય સમયે વરસાદના આગમનથી જીવતદાન મળી ગયું હતું. બગસરા અને વડીયા પંથકમા ધોધમાર વરસાદ પડ્યો હતો. અમરેલી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વડીયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને કારણે ઢુઢીયા પીપરિયા ગામની સ્થાનિક નદીમા ઘોડાપુર આવ્યું હતું. ત્યારે ખાન ખીજડિયા અને આજુબાજુનાં ગામમાં પણ સારો વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકામા છૂટો છવાયો વરસાદ વરસતા ઘરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં આજે સાંજના છ વાગ્યા સુધીમાં ધારી 42 મીમી, વડીયા 41 મીમી, અમરેલી 38 મીમી, બાબરા 34 મીમી, લાઠી 25 મીમી વરસાદ નોંધાયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024