• ગુરુવાર, 28 માર્ચ, 2024

રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જુલાઈમાં મોદીના હસ્તે લોકાર્પણની સંભાવના

15 જૂને નાની ફ્લાઇટનું પરીક્ષણ કરાશે: રન-વે, બ્રિજ સહિતની કામગીરી પૂર્ણ, પાણીની લાઇનની કામગીરી ચાલુ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.8: રાજકોટના છેવાડે બામણબોર નજીક આકાર લઈ રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટની વહિવટી તંત્રને લગતી તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટીની ટીમે રાજકોટમાં હિરાસર એરપોર્ટની વિવિધ કામગીરીની સમિક્ષા કરી રહી છે. ડીજીસીએ સર્ટિફિકેટ માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને તા.14 અને 15 જૂનના નાની ફલાઇટનું હિરાસર એરપોર્ટ ખાતે રન-વે ઉપરથી ટેસ્ટિંગ કરવામાં આવશે ત્યારબાદ જરૂરી તમામ પાસાઓની ચકાસણી કરી સૂચનો ટાંકી આખરી ઓપ અપાશે.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં વિઘ્નરૂપ પાણીની લાઇન સ્થળાંતરથી માંડી બ્રિજ સહિતની કામગીરી અવરોધરૂપ છે જેને ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમજ અમુક ભાગ મોરબીમાં આવતો હોવાથી સંકલન કરી કામગીરી ઝડપી બનાવવા તરફ એરપોર્ટ ઓથોરિટીના સતત પ્રયાસો શરૂ છે. સંભવત: જુલાઈ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. અંતીમ તારીખ હજુ નક્કી થઈ નથી પરંતુ 15 જુલાઈ ઉપર વિચારણા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કર્યું હતું અને એરપોર્ટને પ્રગતિની નવી ઉડાન ગણાવી છે. આ એરપોર્ટ ઔદ્યોગિક શહેર રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું છે. એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. તેમાં 23 હજાર ચોરસ મીટરનો પેસેન્જર ટર્મિનલ વિસ્તાર છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. આ નવા એરપોર્ટથી સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે કારણ કે, આ વિસ્તાર મેન્યુફેક્ચારિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે મેન્યુફેક્ચારિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક