• મંગળવાર, 28 નવેમ્બર, 2023

આજે 9મો દિવસ : ટનલ ઉપરનો પહાડ ચીરવાનું શરૂ

41 શ્રમિકોના જીવ જોખમમાં: 103 મી.ઊંચા પહાડનું ડ્રિલિંગ, સુરંગ કાપવા પ્રયાસ : ચાડનાં 60 વૃક્ષનું બલિદાન, પીએમઓમાં ધમધમાટ

દહેરાદૂન, તા.19: ઉત્તરાખંડમાં છેલ્લા 8 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજૂરોના રેસ્ક્યૂમાં હજુય સફળતા મળી નથી અને વધુ 4-પ દિવસનો સમય લાગી શકે છે તેવી આશંકા અધિકારીઓએ વ્યક્ત કરતાં ચિંતા વકરી છે. ટનલને હવે અંદરથી નહીં ઉપરથી કાપવામાં આવનાર છે જેમાં ચાડના 60 જેટલાં વૃક્ષોનો ભોગ લેવાશે.

નવા ઘટનાક્રમમાં રેસ્ક્યૂ મામલે પીએમઓમાં ધમધમાટ શરૂ થયો છે. પીએમઓના ઉચ્ચ અધિકારીને સ્થળ પર દોડાવાયા છે અને બે વખત સ્થળનો હેલિકોપ્ટરથી એરિયલ સર્વે કરાયો છે. જેમાં ટનલ ઉપરનો પહાડ 103 મીટર ઊંચો હોવાનું સામે આવ્યુ છે. પહાડમાં ડ્રિલિંગ કરીને ટનલમાં પહોંચવા યોજના છે. ઉત્તરકાશીની સિલકયારા સુરંગમાં દિવાળીના દિવસે ભૂસ્ખલનને કારણે 41 મજૂરો ફસાઈ ગયા હતા જે દુર્ઘટનાને 170 કલાકથી વધુ સમય વિતી ચૂક્યો હોવા છતાં કાટમાળ દૂર કરી મજૂરોને સલામત બહાર કાઢી શકાયા નથી.

લાંબા સમયથી બંધ સુરંગમાં ફસાયા હોવાને કારણે મજૂરોનું સ્વાસ્થ્ય હવે લથડી રહયું છે. વિદેશી નિષ્ણાંતો, આધુનિક મશીનરી છતાં રેસ્ક્યૂ ઓપરેશન અપેક્ષા કરતાં ઘણું લાંબુ ખેંચાયું છે. નવી યોજના મુજબ પહાડની ટોચથી વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે જેના દ્વારા ટનલ કાપીને મજૂરોને બહાર કાઢવા પ્રયાસ કરાશે. તેમ છતાં પહાડને ઉભો ચીરવામાં હજુય 4-પ દિવસ લાગી શકે છે. ટનલમાં ફસાયેલા મજૂરોને ભોજન, પાણી, દવા, ઓક્સિજનની સપ્લાય ચાલુ છે ઉપરાંત વોકીટોકીથી તેમનો સંપર્ક કરાયો છે. હવે ડ્રિલિંગ માટે ઈન્દોરથી ખાસ મશીન મંગાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બે અનુસાર, નિષ્ણાતો એ વાત પર સહમત છે કે માત્ર એક યોજના પર કામ કરવાને બદલે ટનલમાં ફસાયેલા મજૂરો સુધી પહોંચવા પાંચ યોજનાઓ પર એક સાથે કામ કરવું જોઈએ. એજન્સીઓ દ્વારા જે પ્રકારે કામગીરી ચાલી રહી છે તે જોતાં આગામી 4-પ દિવસમાં શ્રમિકોને બચાવી લેવાય તેવી સંભાવના છે. જો ઈશ્વર કૃપા રહી તો તે પહેલા પણ બચાવી શકાય છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક યોજી રેસ્ક્યૂ ઓપરેશન અંગે જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

Sports

ભારતનું લક્ષ્ય શ્રેણી કબજે કરવી: આજે ત્રીજો T-20 પ્રવાસી ટીમ ઓસ્ટ્રેલિયા પર શ્રેણી જીવંત રાખવાનું દબાણ November 28, Tue, 2023

Crime

મોરબીમાં દલિત યુવાનને ચપ્પલ ચટાવનાર યુવતી-બે સાગરીત પોલીસમાં હાજર લૂંટની કલમનો ઉમેરો: અન્ય સાગરીતોની શોધખોળ November 28, Tue, 2023